પોરબંદર નજીકના રિણાવાડા ગામ સીમ શાળા પાસે આવેલ વાડી વિસ્તારમાં રહેતા રણજીતભાઈ પરબતભાઈ કારાવદરા મકાનમાં તેની પુત્રી વનીતા ઉર્ફે વીરૂની તેના જ બેડરૂમમાં લોહીલુહાણ હાલતમાં તારીખ 6 મેના રોજ સવારના સમયે મળી આવેલી હતી. જેને પોરબંદર હોસ્પિટલે ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે તેના પિતાની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, “મારી દીકરી વનિતાએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરેલી છે તેવું માન્યું હતું.”
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, છાતી તથા ગળા પરના ઘા વનિતા પોતાની જાતેથી મારી ન શકે. તેમજ આ બનાવ બાદ વનિતાને ઈજા થયેલી તે હથિયાર તથા વનિતાનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો ન હોવાથી વનિતાનું મૃત્યુ કોઈ આકસ્મિક મોત ન હોય પરંતુ હત્યા હોવાની શંકા થતા કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈ કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા કરી તેની ઇજા કરી વનિતાની હત્યા કરી હોવાનું રણજીતભાઈ કારાવદરાએ ફરિયાદમાં લખાવ્યું હતું.
આમ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ માધ્યમથી તપાસ શરૂ કરી હતી અને આ તપાસ દરમિયાન ટેકનિકલ સૂત્રો દ્વારા શકમંદ તરીકે ખાપટ રાતડા સીમ્શાળા પાસે રહેતા હાર્દિક મેણંદભાઇ મોઢવાડીયાનું નામ બહાર આવ્યું હતું અને તેની ઊંડાણપૂર્વક પોલીસે પૂછપરછ હાથ ધરતા હાર્દિકે જ વનિતાનું છરી વડે અને ગળા તથા છાતીના ભાગે ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી.
હાર્દિક પોતે પરણિત હોવા છતાં વનિતા સાથે પ્રેમ સંબંધ હોય અને વનિતાની સગાઇ નક્કી થઇ જતા વનિતાએ હાર્દિક સાથે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. જેથી હાર્દિકે ઉશ્કેરાઈને વનિતા રણજીતભાઈ કારાવદરાની હત્યા કરી હતી. આમ પોરબંદર પોલીસે હાર્દિક મોઢવાડિયાની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.