- પોરબંદરના કડીયા પ્લોટમાં નજીવી બાબતે હત્યાનો બનાવ : ચાર શખ્સો સામે ગુન્હો નોંધાયો
- હેર સલુનમાં સિગારેટ પીવા બાબતે મૃતકના પુત્રને થઈ હતી બોલાચાલી
- બપોરે બોલાચાલી બાદ રાત્રે બંન્ને પક્ષો સામે થઈ મારામારી
પોરબંદર: કોલીખડામાં થોડાં દિવસો પહેલા મિત્રએ મિત્રની હત્યા કરી હતી. ત્યારે ફરી એક હત્યાની ઘટના બની છે. ગઇકાલે સોમવારે કડીયા પ્લોટમાં રહેતો પ્રશાંત મેર હેર સલુનની દુકાને વાળ કપાવવા ગયો, ત્યારે સીગારેટ પીતા દુકાનમાં ધૂમાડો થતાં ત્યાં રહેલા મનીષ પરમાર સાથે ઝઘડો થયો હતો. જે બાબતે રાત્રે પટેલ ઓઇલ મીલ પાસે કડીયા પ્લોટમાં સમાધાન માટે બંને પક્ષના શખ્સો ભેગા થતાં પ્રશાંત મેરના પિતા રાજુ ઉર્ફે ભાવનગરીની છરી તથા તલવારના ઘા ઝીંકી હત્યા( murder case ) નિપજાવતા ચકચાર મચી ગઇ છે. આ મામલે કમલાબાગ પોલીસ મથકમાં મનીષ પરમાર, પ્રતાપ પરમાર, લખુ પરમાર અને ભરત મેરખી સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મૃતક રાજુના પુત્રે જણાવી ફરિયાદમાં બનાવની વિગત
પોરબંદરના કડીયા પ્લોટ શેરી નં.8માં રહેતા પ્રશાંત રાજુભાઈ ઉર્ફે રાજુ ભાવનગરી બાપોદરા(મેર)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના આશરે ત્રણ - સાડા ત્રણ વાગ્યે તે તેમના ઘરેથી મોપેડ લઈને કિંગ હેર સલુન નામની સાગરભાઈની દુકાને વાળ કપાવવા માટે ગયો હતો. ત્યારે તે વેઈટીંગમાં બેસેલો હતો. સિગરેટનો ધુમાડો થતાં ત્યા બેસેલા મનીષ પરમારે તેમને ગાળો બોલીને તેમને દુકાનની બહાર જઈને સિગરેટ પીવાનું કહ્યું હતુ. જેથી મારે તેની સાથે ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તે ઘરે ગયો ત્યારે તેમના પપ્પા રાજુભાઈ ઘરે હાજર હોય, જેથી તેને વાળંદની દુકાને મનીષ પરમાર સાથે થયેલ ગાળા ગાળી અને બોલાચાલી બાબતે વાત કરી હતી.
આ પણ વાંચો: હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો
પટેલ મિલ પાસે ખેલાયો ખૂની ખેલ
વધુમાં ફરિયાદમાં પ્રશાંતે જણાવ્યું હતું કે, તેઓ કડિયા પ્લોટમાં પટેલ મિલ પાસે સમાધાન કરવા ગયા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં તેમના પપ્પાને આ ચારેય જણા સાથે મારામારી થઈ હતી. જેમાં તેમના પપ્પાએ છરી કાઢીને લખુ પરમારને બે ત્રણ ઘા મારતાં લખુએ તેમના પપ્પાની છરી જુટવીને મારવા લાગ્યો હતો. મનીષ પરમારે તેમની પાસે રહેલી તલવાર વડે તેમના પપ્પાને પગમાં તથા માથાના ભાગે તલવારના ઘા માર્યા હતા. કોઈએ 108 એમબ્યુલન્સને ફોન કરતા એમ્યુલન્સ ત્યાં આવી જતાં સરકારી દવાખાને સારવારમાં લઇ ગયા જ્યાં ફરજ પરના ડોકટરે તપાસીને રાજુને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: કીમ રેલવે સ્ટેશન નજીક અડફેટે આવેલા 14 વર્ષીય સગીરની હત્યાની આશંકા
લખુ પરમારને છરીનો ઘા લાગી જતાં જામનગર સારવારમાં ખસેડાયો
મૃતક રાજુ ઉર્ફે રાજુ ભાવનગરીએ મારામારી દરમિયાન લખુ પરમારને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી લખુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો. તેને પ્રથમ પોરબંદર બાદ વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે. લખુએ તેનો બચાવ કરવા જતા સમગ્ર ઘટના બની હોય તેમ સામે ફરિયાદ કરી હોવાનુ જણાવ્યું હતું.