પોરબંદર: જિલ્લાના ઓડદર ગામે ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ અને આર.આર.સેલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહેશ ઉર્ફે મસળી અરભમભાઇ કેશવાલા, ભરત માનસિંગ, પંકજ રમણભાઈ અને રાજુ તુલસીભાઇ આ ચારેય શખ્સો ખનીજ ચોરી કરતા પકડાયા હતા.
ઓડદર ગામની ગોસાબારા સીમ વિસ્તારમાં આવેલી સરકારી પડતર ખરાબાની જમીન પર લાઇમ સ્ટોન ખનીજની 3 ચકરડી મશીન તથા એક જનરેટરથી ગેરકાયદે ખોદકામ થતું હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ ઉપરથી રૂપિયા 39,33,165ની કિંમતના 7,803.90 મેટ્રિક ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.
પકડાયેલા 4 શખ્સોએ ગુનો આચરવામાં એકબીજાને મદદ કરી હતી. સ્થળ પરથી ચકરડી મશીન નંગ 3 તથા એક જનરેટર મશીન વાયર સાથે મળી કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. જે અંગેનો ગુનો પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશને નોંધવામાં આવ્યો છે. ઘટના અગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.