પોરબંદર જિલ્લામાં કોરોના વાયરસ સામે તકેદારી, સલામતી અને સાવચેતી માટેની કલેકટર ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટર મોદીએ અધિકારીઓને કહ્યુ કે, જિલ્લામાં કયાંય પણ કોરો વાયરસ ન થાય તેની રાહ જોયા વગર ગંભીરતાથી માનવતાની દ્રષ્ટિએ કામ કરવાનું છે. એરપોર્ટ, પોર્ટ સહિતના સ્થળોએ આવતા પ્રવાસીઓનું યોગ્ય મેડીકલ ચેકઅપ થાય તે જોવુ, ભીડવાળી જગ્યાએ લોકોએ જવાનું ટાળવુ જોઇએ, ધાર્મિક, સામાજિક કાર્યક્રમો 31 માર્ચ સુધી ટાળવાની અપીલ કરવી, સરકારી બીલ્ડીંગ્સ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, જાહેર શૌચાલયો સહિતના સ્થળોએ યોગ્ય સફાઇ થવી જોઇએ.
કલેકટરએ કેમીસ્ટ એસોસીએશનને જણાવ્યુ કે, માસ્ક દરેક વ્યક્તિએ પહેરવાની જરૂર નથી, બીમાર વ્યક્તિ જ પહેરે તે જરૂરી છે. આ માટે જાગૃતિ આવે તે હેતુથી કેમીસ્ટ દુકાન બહાર બોર્ડ લગાવવો, કોરોના વાયરસથી કોઇએ ગભરાવાની જરૂર નથી. તકેદારી, સાવચેતી રાખવાની જરૂર છે. જ્યા ત્યાં થુકીને ધુમ્રપાન, ગંદકી કરનારને દંડ કરવો, હોટલમાં આવતા યાત્રિકોની વિગતો આરોગ્ય વિભાગને મોકલવી, શાળા, કોલેજોની સાથે ટ્યુશન ક્લાસિસ પણ હાલ બંધ કરાવવા, આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવેલી તથા ચાલુ કરાયેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથે જિલ્લાવાસીઓને ચિંતા વગર સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.
સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, અધિક કલેકટરશ્રી રાજેશ એમ.તન્ના, પ્રાંત અધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સીવિલ સર્જન સહિત જિલ્લાના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.