વર્તમાન સમયમાં માનસિક તણાવની અનેક લોકો ફરિયાદો કરતા હોય છે પરંતુ, પોરબંદરના ભારવાડા ગામે રહેતાં કારા ભગતે બાળપણમાં પોરબંદરના મેળામાંથી વાંસળી ખરીદી હતી અને પોતે જાતે જ શીખી આજે દિવસ-રાત પોતાની પાસે રાખે અને જ્યારે મન કરે ત્યારે વાંસળીના સુર રેલાવે છે. જેમાં નરસિંહ મહેતાની હૂંડી રામાપીરનો હેલો સહિતના ભજનો પણ વગાડે છે. કારા ભગતને વાંસળી વગાડતા જોઈ આસ પાસના લોકો પણ આ વાંસળી સુરથી આકર્ષિત થઈ જાય છે. તો લોકો જ નહીં પણ પક્ષીઓમાં મોર અને કોયલ વાંસળીના સુરમાં પોતાના સુર રેલાવે છે ત્યારે, રાત્રીના સમયે વાંસળી વગાડવાનો અનોખો નીજાનંદ પ્રાપ્ત થાય છે ત્યારે શાંત વાતાવરણમાં પરમાત્માની અનુભૂતિ થાય છે અને વ્યાધિ-ઉપાધિ દૂર રહે છે તેમ કારા ભગત જણાવે છે.
ધર્મ કોઈ પણ હોય પરંતુ તેમાં ખુદા, ભગવાન કે ગોડની બંદગી માટે ભક્તો સંગીતનો સહારો અવસ્ય લે છે. કારણ કે, સુર સાધનાથી જ પરમાત્માની પ્રાપ્તિની અનુભૂતિ થાય છે. કારા ભગતના જણાવ્યા અનુસાર તેઓએ પાછળ પગે ચાલીને દ્વારકાધીશના દર્શને ગયા હતા અને જ્યારે પણ વાંસળી વગાડું ત્યારે દ્વારકાધીશ સાથે હોવાની અનુભૂતિ થાય છે. આમ કારા ભગતે તણાવ માંથી મુક્તિ માટે સંગીતનો સાથ લેવાનો સંદેશ આપ્યો હતો. તો વિદેશમાં મ્યુઝિક થેરાપીથી અનેક મનો રોગીઓને સાજા કરવામાં પણ આવે છે.