કુતિયાણા પંથકના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કાંધલ જાડેજા છેલ્લા ૩ વરસથી સિંચાઈના પાણીની ખેડૂતોને ભરવાપાત્ર થતી રકમ પોતે ભરી રહ્યાં છે. ભાદર-ર ડેમમાંથી ભાદર નદીમાં સિંચાઈનું પાણી છોડવામાં આવશે. આ સિંચાઈના પાણી માટે સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને ભરવાપાત્ર થતી ૪ લાખ જેવી રકમ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આ રકમ ભરી છે.
ધોરાજી ખાતે ધારાસભ્ય કાંધલ જાડેજાના અંગત મદદનીશ વજશીભાઈ ઓડેદરા તેમ જ ઘેડ પંથકના ખેડૂતો અને સરપંચોને સાથે રાખી આ રકમ ભરવામાં આવી છે. મંગળવારે ભાદર-ર ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે. આ પાણીનો ઉપયોગ ધોરાજી, ઉપલેટા, માણાવદરના ખેડૂતો ઉપરાંત ઘેડ પંથકના રર જેટલા ગામોના ૧પ હજારથી પણ વધુ ખેડૂતોને લાભ મળશે. કાંધલ જાડેજાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત રહેશે ત્યારે તેઓ તેમની તે જરૂરિયાત પુરી કરશે.
કાંધલ જાડેજાએ આ અગાઉ ઈશ્વરીયા નજીકના કાલિન્દ્રી ડેમમાંથી તેમ જ બાંટવાના ખારામાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યુ હતુ અને તેની રકમ પણ ધારાસભ્ય તરીકે પોતે ભરપાઈ કરી હતી.