પોરબંદર : ભારત પાકિસ્તાનની જળસીમા પરથી અત્યાર સુધીમાં અનેકવાર માછીમારોને બંધક બનાવવામાં આવ્યા છે, ત્યારે હાલ પાકિસ્તાનમાં 658 ભારતીય માછીમારો અને 92 પાકિસ્તાની માછીમારો ભારતમાં બંધક છે. સરકાર દ્વારા કોઈ પ્રયત્ન ન કરવામાં આવતા પાકિસ્તાન ઇન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી નામની સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં સરકાર વિરુદ્ધ રીટ દાખલ કરવામાં આવશે તેમ આ સંસ્થાના સભ્ય એ જણાવ્યું હતું.
1 હજારથી વધુ ભારતીય બોટ પાકિસ્તાનમાં : ભારત અને પાકિસ્તાન સીમા ઓળંગીને એકબીજાના દેશોમાં ગેરકાયદેસર પ્રવેશના ગુનામાં સુરક્ષા વિભાગ દ્વારા માછીમારોને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે છે, પરંતુ તેના પરિવાર તેમજ તેના જીવન વિશે કોઈ વિચારતું નથી. અનેકવાર આવી ઘટના બને છે, બંને દેશોની સુરક્ષા એજન્સીઓ જેલમાં માછીમારોને બંધ કરી દે છે. ત્યારે આ બંધ માછીમારોને વહેલી તકે છોડવામાં આવે તેવી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જળસીમાં પાર કરી ભારતમાં પ્રવેશ કરેલા 92 જેટલા પાકિસ્તાની માછીમારો ભારતની જેલમાં છે, જ્યારે ભારતથી પાકિસ્તાનની જળસીમામાં ભૂલથી પ્રવેશ ગયેલા 658 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. આ ઉપરાંત 1થી વધુ બોટ પણ પાકિસ્તાનના કબજામાં છે.
આ પણ વાંચો : Indian Fishermen : પાકિસ્તાની સરકારે ભારતીય માછીમારોને કર્યા મુક્ત, પરિવારજનોમાં છલકાયા હર્ષના આંસુ
કોઈ પગલાં નથી ભરાતાં : 2019થી ગુજરાતના મુખ્યપ્રધાન અને વડાપ્રધાન મોદીને માછીમારોને છોડવા માટે અનેકવાર રજૂઆતો કરાઈ છે, પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલા લેવાતા નથી. જોકે, 2013માં 56 ભારતીય બોટ, 244 માછીમારોને પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ 2019 બાદ જપ્ત કરાયેલા ભારતીય માછીમારોને મુક્ત કરવા અંગે નિર્ણય ન લેવાતા પાકિસ્તાન ઇન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી દ્વારા સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં મામલો દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે તેમ આ સંસ્થાના સભ્ય જીવન જુંગીએ જણાવ્યું છે. ભારતીય માછીમારોએ કોઈ મોટો ગુનો નથી કર્યો, તેઓને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવા માટે સરકારને 90 દિવસ અથવા છ મહિના સુધીનો સમયમાં વેરિફિકેશન કરી દેવામાં આવે તેવી પણ અનેકવાર રજૂઆત કરી હતી. છતાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી.
આ પણ વાંચો : Fishermen Jailed : સજા પૂરી થઈ ગઈ હોવા છતાં માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી કરાયા નથી મુક્ત
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાશે રીટ : સંસ્થાના સભ્ય એ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં બંધક બનાવેલા ભારતીય માછીમારોને બચાવવા માટે માનવ અધિકારની દ્રષ્ટિએ માછીમારોના પરિવારની સ્થિતિ અને પરિવારના ભવિષ્ય બાબતે વિચારણા કરવામાં આવે. તેમજ તેના પોતાના જીવન પર પણ મોટી અસર પડતી હોય છે. જેના કારણે આ સમગ્ર બાબતોને ધ્યાને લઈ પીટીશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાશે.