પોરબંદર: અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા પર અનેક વાર ભૂતકાળમાં અનેકવાર પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. ત્યારે વધુ એક વાર પાકિસ્તાનની શંકાસ્પદ બોટ ભારતીય જળસીમા પરથી ભારતીય કોસ્ટ ગાર્ડે ઝડપી પાડી છે. પાકિસ્તાની બોટમાં સવાર 13 જેટલા લોકોની અટકાયત કરી ઓખા બંદર ખાતે લઈ જવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સી દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભારતીય જળસીમા પર ઝડપાઈ પાકિસ્તાની બોટ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અરિંજયે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન 21 નવેમ્બર 2023ના રોજ એક પાકિસ્તાની બોટનું નિરીક્ષણ કર્યું હતું. જે 21 નવેમ્બર 2023ના રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ભારતીય જળસીમાની અંદર લગભગ 15 કિમી સુધી માછીમારી કરી રહી હતી. પડકાર મળતાં આ બોટ પાકિસ્તાન તરફ ભાગવા લાગી હતી. જો કે, ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજે બોટને અટકાવીને ભારતીય જળસીમામાં રોકી હતી.
બોટને ઓખા બંદર પર લવાઈ: ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રાથમિક તપાસ કરાતાં સામે આવ્યું કે પાકિસ્તાની ફિશિંગ બોટ નાઝ-રે-કરમ (રેગ નંબર 15653-બી) 19 નવેમ્બર 2023 ના રોજ કરાચીથી 13 ક્રૂ સાથે રવાના થઈ હતી. આ વિસ્તારમાં બોટ દ્વારા માછીમારીને ક્રૂ દ્વારા સમજાવી શકાઈ નથી અને તેને યોગ્ય ઠેરવી શકાઈ નથી અને તમામ એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે બોટને ઓખા બંદર પર લાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા પર અનેક વાર ભૂતકાળમાં પાકિસ્તાનથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બોટ મળી આવતી હોય છે.