પોરબંદર : શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ છેલ્લા 22 વર્ષથી ચાલી રહી છે. જેમાં ક્લબ દ્વારા સ્વીમેથોન અને વોટર સ્પોર્ટસ જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ અને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ મધ દરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે. દરિયામાં આવું સાહસ કરી રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે આ ધ્વજવંદન નિહાળવા પોરબંદરની ચોપાટી ખાતે પોરબંદરના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 22 વર્ષ પહેલા સભ્યોને આ પ્રકારનો નવો વિચાર આવ્યો હતો. આ નવો વિચાર તરત જ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે 22 વર્ષ થયાં છે. દર વર્ષે આ પ્રકારે ધ્વજવંદન કરવામાં આવે છે. દેશ માટે કોઈ પણ સમયે ડર રાખ્યા વગર યુવાનો અને નાગરિકો સાહસિક પ્રવૃત્તિ કરી શકે છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આ સંદેશ આપવામાં આવે છે.-- દિનેશ પરમાર (પ્રમુખ, શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ)
મધદરિયે ધ્વજવંદન : પોરબંદરમાં શ્રી રામ સી સ્વીમીંગ કલબના 25 જેટલા સભ્યો મધદરિયામાં ધ્વજ લહેરાવી સલામી આપી અને રાષ્ટ્રગીત ગાય છે. ત્યારે એ જ સમયે ચોપાટી પર અન્ય સભ્યો અને પોરબંદરના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી ધ્વજને સલામી આપે છે. ચોપાટી પર નિયમિત વોકિંગ કરવા તથા કસરત કરવા આવતા લોકોમાં રાષ્ટ્રીય પ્રેમની ભાવના જાગી હતી.
22 વર્ષની પરંપરા : ગુજરાતના અન્ય શહેરમાંથી પોરબંદર આવેલા લોકો પણ અહીં ધ્વજવંદન જોઈ અભિભૂત થાય છે. સામાન્ય રીતે સ્કૂલ-કોલેજ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન થતું હોય છે. પરંતુ આ પ્રકારે ધ્વજવંદન ક્યાંય અન્ય સ્થળે થતું નથી. 25 જેટલા સભ્યો મધદરિયામાં જાય છે અને અન્ય લોકો ચોપાટી પરથી રાષ્ટ્રધ્વજને સલામી આપે છે.