પોરબંદર: પોરબંદરને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે તંત્રએ થોડી છૂટછાટ આપી છે.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ 11 મે સોમવારથી વિવિધ ધંધાર્થીઓને સમય મર્યાદામાં વધુ છૂટછાટ આપી છે. પોરબંદર ગ્રીન ઝોન હોવાના લીધે લોકો દ્વારા બજારમાં વધુ ભીડ એકત્રિત થતી હતી જેને ઘટાડવા માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં છૂટક દૂધના ફેરિયાનો સમય સવારથી સાંજના 7 સુધી કરાયો છે. આ ઉપરાંત દૂધની ડેરી અને ડેરી પાર્લર સાંજના 7 સુધી, શાકભાજી માર્કેટ બંધ રાખી વિવિધ વિસ્તારોમાં રેકડી વડે વિતરણ કરવા માટેનો સમય સાંજે 5 સુધી લંબાવાયો છે.
મેડિકલ સ્ટોર આખો દિવસ તેમજ આ સિવાયની તમામ દુકાનો ઓફિસો ગ્રાહકો માટે બપોરે 4 વાગ્યા સુધી અને દુકાનોમાં હિસાબ કામગીરી માટે સાંજના 5 સુધીમાં બંધ કરવાની રહેશે. આમ તંત્રએ વિવિધ ધંધાર્થીઓને સમયમાં છૂટ આપી છે. આ નવા નિયમો સોમવાર સવારે 7 વાગ્યાથી અમલી બનશે.
આ અગાઉના જાહેરનામાં શાકભાજી વિતરણ 12 વાગ્યા સુધી અને દુકાનો માટે માત્ર બે વાગ્યા સુધીનો સમય હતો પરંતુ ભીડ એકત્રિત થતા હવે સમયમાં વધારો કરી ભીડ ઓછી કરવા માટે આ નિર્ણય લેવાયો છે.