પોરબંદરઃ જિલ્લાના NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનું સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી 17 થી 27 મે સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
પોરબંદર જિલ્લાની 218 સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી જિલ્લાના 78 હજારથી વધુ પરિવારોને અનાજ વિતરણ કરાશે. કોરોના મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિમાં મુખ્યપ્રધાન દ્રારા NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનુ નિયમિત તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉ, ચોખા, ચણા, ખાંડ તથા મીઠું વિનામૂલ્યે વિતરણ કરાશે.
રેશન કાર્ડના છેલ્લો આંક મુજબ અનાજ વિતરણ કરવામા આવશે. રેશન કાર્ડનો છેલ્લો આંક 1 હશે તે કાર્ડ ધારકને તારીખ 17ના રોજ, છેલ્લો આંક 2 હશે તેમને 18 મે ના રોજ, આંક ૩ હશે તેમને 19 મે ના રોજ એમ ક્રમ મુજબ અને છેલ્લો આંક 0 હોય તેને 26 મે ના રોજ એમ સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે રાશનનો જથ્થો વિતરણ કરાશે.
ઉપરોક્ત દિવસો દરમિયાન રાશન મેળવવા ઉપસ્થિત ન રહેનાર લાભાર્થીઓને 27 મે ના રોજ અનાજ વિતરણ કરાશે. રાશનનો જથ્થો મેળવતા સમયે લાભાર્થીઓએ કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાઇ તે માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક ફરજિયાત પહેરવા જેવા નિયોમોનું પાલન કરવું આવશ્યક છે.