પોરબંદરઃ લોકડાઉનના પગલે પોરબંદરમાં પણ સજ્જડ બંધ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન પણ બંધ છે. આવી સ્થિતિમાં દરિયામાંથી માછીમારી કરીને પરત આવતા માછીમારો કે જેઓ પોરબંદર શહેરના ન હોય અને અન્ય જિલ્લાઓમાંથી અહીં કામ આવેલા માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે.
મોટી સંખ્યામાં માછીમારો પોરબંદરના બંદર વિસ્તારમાં બોટમાં જ જીવન વિતાવી રહ્યા છે. માછીમાર આગેવાનો અને ખારવા સમાજના પ્રમુખે માછીમારોને પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચાડવા માટે બસ જેવી સુવિધા આપવામાં આવે તેવી તંત્રને અપીલ કરી છે.
આ ઉપરાંત જો કોઈ આરોગ્યની ચકાસણી કરવી હોય તો પણ તંત્ર આ માટે યોગ્ય વ્યવસ્થા કરે અને માછીમારો પોતાના ઘરે સુરક્ષિત પહોંચે તે માટે વહીવટી તંત્રને ખારવા સમાજના આગેવાનો અને માછીમાર આગેવાનોએ અપીલ કરી હતી. હાલ સ્થિતિ એવી સર્જાઈ છે કે, પોરબંદરના બંદર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ રહ્યા છે. જ્યાં કોરોના ફેલાવવાની વધુ શક્યતા પણ રહેલી છે. આથી આ ભીડ જો ઓછી ન થઈ તો મહામારીની પરિસ્થિતિ સર્જાઇ શકે છે. આથી તંત્ર દ્વારા તાત્કાલિક આ બાબતે પગલા લેવામાં આવે અને માછીમારોને પોતાના ઘરે વ્યવસ્થિત રીતે પહોંચાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે.