આ માજી સૈનિક સંગઠન પોરબંદરના ખીજડી પ્લોટમાં મુખ્ય રસ્તા પર આવેલું છે. જેમાં ભૂમિદળ, હવાઈદળ તથા નૌકાદળમાં પોતાની ફરજ બજાવીને નિવૃત થયેલા સૈનિકો આ સંગઠનમાં સભ્યો છે. જિલ્લામાં મતદારો મતદાન કરે તે હેતુથી માજી સૈનિક સંગઠનનાં ઉપપ્રમુખ હરદેવસિંહ વાળાએ મતદારોને અપીલ કરી કે, કોઇ ભેદભાવ વિના દેશના હિત માટે મતદાન અવશ્ય કરવું જોઇએ. તો ચાલો હું અને આપ સૌ મતદારો કિંમતી અને પવિત્ર મત આપીએ.
માજી સૈનિક ટી.એન.બાપટે મતદારોને અનુરોધ કર્યો કે, આપણો દેશ પાંચ વર્ષ માટે નેતાઓના હાથમાં હોય છે. પણ મતદાનનો એક દિવસ મતદારોનાં હાથમાં હોય છે. તેથી મતદાન અવશ્ય કરીને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. ધનંજય ઓઝાએ પણ આ પ્રસંગે પોરબંદરના મતદારોને અપીલ કરી કે, કોઇપણ જાતની લોભ, લાલચ કે ભેદભાવ વગર દેશહિત માટે યોગ્ય ઉમેદવારને મત આપવો જોઈએ. મતદાનનાં દિવસે મતદારોને નિર્ણય જ દેશનાં ભવિષ્યને ઉજળું બનાવે છે. માજી સૈનિક હસમુખ સરવૈયાએ મતદારો માટે સંદેશ રજૂ કર્યો કે, જેમ સૈનિકો સરહદ પર રક્ષા કરીને દેશ સેવા કરે છે તેમ નાગરિકોએ મતદાન કરીને દેશપ્રેમ બતાવવો જોઇએ. આ ઉપરાંત માજી સૈનિક સંગઠનનાં મહાપ્રધાન પોપટ કારાવદરા તથા તરુણ ગોહિલે પણ જણાવ્યુ કે, દેશનાં લોકતંત્રને ધબકતું રાખવા માટે મતદારોએ અવશ્ય મતદાન કરવું જોઇએ.