પોરબંદરઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે વધુ એક આફત વાવાઝોડા સ્વરૂપે આવી રહી છે. ગુજરાતમાં પણ આ વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા સતત સતર્કતા દાખવવામાં આવી રહી છે.
હવામાન વિભાગ પાસેથી મળેલી સૂચના મુજબ 2 જૂનની રાત્રિ દરમિયાન દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે અને તેની અસર સૌરાષ્ટ્રમાં પણ વર્તાશે. આની અસર ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ રહેશે. જેથી દરિયા કિનારાના તમામ વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
નિર્સગ વાવાઝોડાને લઇને પોરબંદર જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટર દ્વારા દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા લોકોને તથા માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી હતી.
હવામાન વિભાગની સૂચના અનુસાર અત્યારે વાવાઝોડુ મુંબઇથી 410 કિલોમીટર તથા સુરતથી 790 કિલોમીટર દૂર છે અને 2 જૂન રાત્રિના સમયે સૌરાષ્ટ્રમાં પહોંચી શકે તેવી સંભાવના છે. જેથી 3 જૂનની સવારે વધુ પવન તથા વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.