- રાજુલાના રેલવેના પ્રશ્નોને લઈ પોરબંદર કોંગ્રેસનું સમર્થન
- પોરબંદર રેલવે સ્ટેશનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલવે વિરુદ્ધ સૂત્રોચાર કર્યા
- રેલ રોકો આંદોલન કરવા જતા 11ની ધરપકડ
પોરબંદર: ભાવનગર ડીઆરએમ કચેરી (Bhavnagar DRM Office) હેઠળ રાજુલા ગામે રેલવેની પડતર જમીનમાં નગરપાલિકાને બગીચો બનાવવાની મંજૂરી ન આપતાં કોંગ્રેસના અમરીશ દ્વારા આંદોલન ચલાવાઇ રહ્યું છે. જેને બુધવારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું અને પોરબંદર રેલવે સ્ટેશનનો ઘેરાવો કરી કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યા હતા. રેલ રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરે તે પહેલાં જ 11 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી હતી અને રેલ રોકો આંદોલન નિષ્ફળ બનાવ્યું હતું.
આ પણ વાંચો : સુરતમાં બેરજોગારી મુદ્દે યુથ કોંગ્રેસ મેદાને, રેલી યોજતા કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
આંદોલનને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ સમર્થન આપે છે : નાથાભાઈ ઓડેદરા
પોરબંદર કોંગ્રેસ સમિતિ (Porbandar Congress Committee)ના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ભાવનગર ડીઆરએમ કચેરી (Bhavnagar DRM Office) હેઠળના રાજુલા ગામે રેલ્વે સ્ટેશનની પડતર જમીન પર બગીચો નગરપાલિકા દ્વારા બનાવવાની મંજૂરી જ્યાં સુધી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમરીશ ડેર આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ સમર્થન આપે છે.
આ પણ વાંચો : પોરબંદરમાં કોંગ્રેસે ટ્રેક્ટર રેલી યોજી કર્યો વિરોધ, કહ્યું નવો કૃષિ કાયદો રદ કરો નહીં તો....
આગામી સમયમાં તેમના સમર્થનમાં પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉગ્ર આંદોલન કરાશે : નાથાભાઈ ઓડેદરા
વધુમાં નાથાભાઈએ જણાવ્યું હતું કે, બગીચાનું કામ શરૂ કરવા માટે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર છેલ્લા નવ દિવસથી ઉપવાસ આંદોલનમાં બેઠા છે, ત્યારે આગામી સમયમાં તેમના સમર્થનમાં પોરબંદર કોંગ્રેસ સમિતિ (Porbandar Congress Committee) દ્વારા પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેના માટે ઊભી થનારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જવાબદારી રેલવે વિભાગની રહેશે તેમ નાથાભાઈ ઓડેદરાએ રેલવે અધિકારીને આપેલા આવેદનપત્રમાં પણ જણાવ્યું હતું.