પોરબંદર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી.આર. સોલંકીએ જણાવ્યું કે, લગ્નગ્રંથિથી જોડાયેલા પતિ-પત્નિ બન્ને દિવ્યાંગો હોવાથી રૂ. 1 લાખની સહાય ગુજરાત સરકાર આપે છે. જો બન્નેમાંથી કોઇ પણ એક પાત્ર વિકલાંગ હોય તો રૂ. 50 હજારની આર્થિક સહાય ચુકવવામાં આવે છે.
પોરબંદરના રાજમહેલ હાઉસીંગ કોલોની કોમ્યુનિટી હોલની બાજુમાં રહેતા દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના લાભાર્થી પુજા ગોકાણી આંખોથી દિવ્યાંગ છે. તેમણે વર્ષ 2017માં તેમના લગ્ન અજય ગોકાણી સાથે લગ્ન કર્યા હતા. પુજા ગોકાણીએ કહ્યું કે, લગ્ન બાદ પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ સ્થિત અંધજન ગુરૂકુળમાં સેવા આપતા પ્રફુલભાઇ દ્વારા જાણકારી મળી કે, જો કોઇ ઉંમરલાયક દિવ્યાંગ લગ્ન ગ્રંથિથી જોડાય તો ગુજરાત સરકાર તેમને દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ આર્થિક સહાય આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2માં અરજી કરી હતી.
આ અરજીઓ સાથે દિવ્યાંગને ઓળખ કાર્ડ, લગ્ન કંકોત્રી, રેશન કાર્ડની નકલ, બેંકની પાસબુક, સંયુક્ત ફોટો, જન્મ તારીખનો આધાર, લગ્ન નોંધણીનો દાખલો તથા આધાર કાર્ડની નકલ સહિતના પુરાવા અરજી સાથે રજુ કર્યાં હતા. જેથી સહાય માટે અરજી કર્યાના 3 મહિનામાં ખાતામાં રૂ. 50 હજાર જમા કરવામાં આવતા ખુશી અનુભવું છું.
પુજા બહેને ઉંમરલાયક દિવ્યાંગ ભાઇઓ-બહેનોને સંદેશો આપતા જણાવ્યું કે, જો તમે લગ્નગ્રંથિથી જોડાવા ઇચ્છતા હોવ તો તમને પણ દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી આર્થિક સહાય મળી શકે છે. સમાજમાં સામાન્ય લોકોની જેમ દિવ્યાંગો પણ માન અને ગૌરવભર જીવન જીવી શકે અને લગ્ન કરીને સમાજ સાથે કદમ મીલાવી શકે છે.