પોરબંદર: જિલ્લામાં મેઘમહેરથી ડેમોમા નવા નીરની આવક થઇ હતી. સમગ્ર પોરબંદર જિલ્લામાં મેઘમહેરના કારણે જિલ્લામાં તમામ ડેમોમાં નવા નીરની આવક થવાથી ખેડૂતો, પશુ પાલકો સહિત જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી છવાઇ છે.ખંભાળા, ફોદાળા તથા સોરઠી ડેમ પૂર્ણ સપાટીએ ભરાયેલા છે. જ્યારે અન્ય ડેમોમાં નવા નીરની આવક થતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.
સારા વરસાદના કારણે બરડો લીલોછમ થઇ ગયો છે. બરડાના ઉંચા ટેકરાએથી નીતરતી પાણીની ધાર ડેમમાં સચવાય છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના અડવાણા, સારણ, રાણાખીરસરા, અમીપુર, કાલીન્દ્રી, કર્લી, બરડા સાગર ડેમોમાં પણ નવા નીરની સારી આવક થઇ છે.
જેથી ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે તથા લોકોને પીવાનુ પાણી સ્થાનિક કક્ષાએથી સરળતાથી મળી રહેશે. ઉપરાંત જિલ્લાના સિંચાઇ વિભાગ, ક્ષાર અંકુશ વિભાગ, જિલ્લા પંચાયત વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ હસ્તકના અન્ય પાણી સંગ્રહના સ્ત્રોતો ચેકડેમ, તળાવોમાં નવા નીરના વધામણા થવાથી લોકોને પુરતુ પીવાનું પાણી સરળતાથી મળશે તથા ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે.