પોરબંદર : વાવાઝોડાની આગાહીના પગલે ગત તારીખ 13ના રોજથી જનજીવન અસ્તવ્ય બન્યું હતું. વાવાઝોડાની અસરના કારણે પોરબંદર શહેર અને ગામડા ઝાડ વિસ્ફોટ પડી ગયા હતા. તારીખ 13થી અત્યાર સુધીમાં પોરબંદરમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ આજે વાતાવરણમાં ઉઘાડ થતા જનજીવન પુનઃ કાર્યરત થયું હતું.
પોરબંદરમાં વરસાદ : બિપરજોય વાવાઝોડાના પગલે હવામાન વિભાગે ભારે વરસાદ સાથે ભારે પવનની આગાહી કરી હતી. ગર્ત 13 જૂનથી 16 જૂન સુધી પોરબંદરમાં વરસાદ વરસ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. જેમાં પોરબંદરમાં 153 મીમી, રાણાવાવમાં 122 મીમી, કુતિયાણામાં 167 મી.મી વરસાદ પડ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 147 મીમી વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આજે તારીખ 17ના રોજ વાતાવરણમાં ઉઘાડ આવ્યો હતો. સામાન્ય વાતાવરણ રહેતા જનજીવન પુનઃ કાર્યરત થયું હતું ને લોકો વાવાઝોડાની ચિંતા છોડી પોતાના કામ ધંધામાં લાગી ગયા હતા.
બિપરજોય વાવાઝોડામાં માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી, ત્યારે આ આગાહીના પગલે માછીમારો એ પોતાની બોટ બંદર પર પાર્ક કરી હતી. જેમાં વાવાઝોડામાં ભારે પવનના કારણે બોટ ટકરાવવાના બનાવો બન્યા છે, ત્યારે અનેક બોટની કેબિનના કાચ તૂટી જવાના બનાવ બન્યા છે. હવે માછીમાર બોટ એસોસિએશન દ્વારા વાવાઝોડામાં માછીમારોને જે કઈ નુકસાન થઈ હોય તેની વિગત મંગાવવામાં આવી છે, ત્યારે ચોમાસામાં માછીમારીનો વ્યવસાય પણ ઠપ્પ હોય આથી આ નુકશાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માછીમારો સરકારને માંગ કરશે. - મુકેશ પાંજરી (પ્રમુખ, માછીમાર બોટ એસોસિએશન)
વાવાઝોડાના કારણે અનેક લોકોને નુકસાની : પોરબંદરમાં વાવાઝોડાની આગાહીના પગલે લોકોએ પોતાના ધંધા રોજગારમાં નુકસાની વેઠવી પડી હતી. ધંધા રોજગાર બંધ રાખી ઘરમાં પરિવાર સાથે રહ્યા હતા. શહેરભરમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં ભારે પવનના કારણે ઝાડ પડવાથી સામાન્ય નુકસાન પણ થયુ હતું. તો ઘણા લોકોની સોલાર પેનલ પણ ઉડી ગઈ હતી. તો ખારવા વાડમાં બે ઘર પડી ગયા હતા. જેમાં એકનું મૃત્યુ નીપજ્યું હતું. તો આ વિસ્તારમાં લોકોના ઘરની જૂની દીવાલો પડી ગઈ હતી .લેડી હોસ્પિટલ સામે આવેલી પોલીસ કોલોનીની દીવાલ પણ ઝાડના કારણે પડી ગઈ હતી.