પોરબંદરઃ જિલ્લામાં સ્ટ્રીટલાઇટના રીપેરીંગ અને જાળવણીના કામમાં અડધા કરોડથી પણ વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના અગ્રણી રામદેવ મોઢવાડિયાએ કર્યો છે. રામજી મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, વર્ષ 2015-16 સહિતના ઓડિટ અહેવાલ મુજબ નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ રીપેરીંગના કામ માટે ત્રણ ટેન્ડર ગત તારીખ 10/ 2/ 2014ના રોજ નગરપાલિકામાં આવેલા હતા. આ કામ માટેની જાહેર નિવિદા 3 ના બદલે માત્ર એક જ વર્તમાન પત્રમાં આપવામાં આવી હતી, આ ઉપરાંત સૌથી નીચા ભાવનું ટેન્ડર મનીષ દેવજી ગોહિલનું હતું.
જેમાં ગેરકાયદેસર રીતે ચેક કરી ભાવનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને કન્ટેનરના કવર ઉપર અક્ષર અને ત્રણેય ટેન્ડરની અંદર ભરવામાં આવેલા ભાવ એક જ વ્યક્તિએ લખ્યા હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સરકારના ઓડિટ વિભાગ દ્વારા ગેરરીતિની ગંભીર નોંધ લેવામાં આવી છે, દર વર્ષે સ્પર્ધાત્મક ભાવો મંગાવવાને બદલે જનરલ બોર્ડમાં તત્કાલીન પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા કૌભાંડ આચરીને રીન્યુ કરવામાં આવેલા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો અને તમામ જવાબદારો સામે પગલા લેવા મુખ્ય પ્રધાનને રજૂઆત કરી છે.