- વર્ષ 2016ના ફિસરીઝ વિભાગ દ્વારા ડ્રેજીંગ કરી કાઢવામાં આવી હતી રેતી
- અલગ અલગ 5 સ્થળોએ રાખવામાં આવેલ 5 લાખ ટન રેતી ક્યાં ગઈ: મોઢવાડિયા
- વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને રેતી ચોરી બાબતમાં કરાઈ રજૂઆત
પોરબંદર: સિંચાઇ વિભાગ મશીનરીથી ફિસરિઝ વિભાગ દ્વારા 5 વર્ષ પહેલા પોરબંદરના દરિયામાં ડ્રેજીંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 2 હિટાચી મશીન તથા ડમ્પરોથી 8 મહિના સુધી ડ્રેજીંગનું કામ ચાલુ હતું. આ ડ્રેજિંગ દરમિયાન નીકળેલી 5 લાખ ટન રેતી જેની કિંમત કરોડોમાં થાય છે. એ રેતીનો સ્ટોક અલગ અલગ 5 સ્થળોએ કરવામાં આવ્યો હતો. આ રેતી કોઈ સ્થળે જોવા ન મળતા આ અંગે કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડીયા દ્વારા વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી CBI તપાસની માંગ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરીને સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી મળી
મત્સ્ય ઉદ્યોગ કમિશ્નરને 2019માં કરવામાં આવી હતી રજૂઆત
કોંગ્રેસ સમિતિના અગ્રણી રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદરના દરિયામાં 2016માં થયેલ ડ્રેજીંગના કામમાંથી 5 લાખ ટન રેતીનો સ્ટોક અલગ અલગ 5 સ્થળોએ કરવામાં આવ્યો હતો. જેમાં, સુભાષ નગર દરિયા કિનારે આવેલ ખદર દાદાના મંદિર પાસે પોર્ટ એરિયા તથા ઝાવર ગામ ખાતે દરિયા કિનારા પર પોર્ટ વિસ્તારમાં, ઈન્દીરાનગર પાછળ દરિયા કિનારે તથા અખાડાની બાજુમાં અને હાથી ગ્રાઉન્ડમાં રાખવામાં આવી હતી. તેવી માહિતી મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક કચેરી દ્વારા આપવામાં આવી છે. આ અંગે વારંવાર રજૂઆત કરાઇ છે અને મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ન મૂક્યો હતો. પ્રશ્નોની સુનાવણીમાં કલેક્ટરની હાજરીમાં ફિશરિઝ વિભાગના અધિકારીઓને પણ જવાબદાર અધિકારીઓ જથ્થો નિકાલ કરવામાં બેદરકારી દાખવવા અને જથ્થા ઉપર સિક્યુરિટી ન મૂકનાર અધિકારીઓ તથા રેતી ઉપાડી જનાર માફિયાઓ સાથે પોતાનો ગુનો દાખલ કરવાની સજા આપવા અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પરંતુ, હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઇ નથી તેવો આક્ષેપ રામદેવ મોઢવાડિયાએ કર્યો હતો.
આ પણ વાંચો: ખાપટ- ધરમપુરના સેવરેજ નેટવર્કના 36 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો છે - કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડીયા
રેતી ચોરીના કૌભાંડમાં અધિકારીઓ પણ સંકળાયેલા
વિભાગના અધિકારી અને ઉચ્ચ કક્ષાએ સંપર્ક ધરાવનાર લોકો પડદા પાછળ રહીને દોરી સંચાર કરી કરોડો રૂપિયાની સરકારી માલિકીની રેતી ઉપાડી લેવાનો આક્ષેપ રામદે મોઢવાડીયાએ કર્યો હતો. તેમજ સુભાષ નગર અને જાવર વચ્ચે એક કિલોમીટરની રેતીનો જથ્થો પણ ગેરકાયદેસર રીતે ઉપાડ્યો હોવાનું વડાપ્રધાનને રજૂઆત કરી છે. ચોમાસામાં ભારે વરસાદ અને દરિયા કિનારે પાણીની ભરતી વખતે સુભાષ નગર તથા કુછડી ગામમાં પાણી ઘુસી જાય છે. રેટ માફિયાઓને પાઠ ભણાવવા માટે અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરનારાઓ અને ગંભીર પર્યાવરણીય અસરો સર્જનારા લોકો સામે CBI તપાસ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના રામદેવ મોઢવાડીયાએ કરી છે.