ગુજરાતમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના સોમનાથ, અંબાજી, દ્વારકા, રાણકીવાવ, લોથલ, માધવપુરના દરિયા કિનારા સહિત 150 જેટલા સાંસ્કૃતિક અને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો તથા પ્રવાસન સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં 50 હજારથી પણ વધુ સ્થાનો પર 1 કરોડ 51 લાખથી વધુ લોકો યોગ અભ્યાસથી જોડાયા છે. જેમાં વિશ્વ સાથે કદમ મિલાવીને પોરબંદરમાં પણ જિલ્લાકક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવામાં આવ્યો હતો. ત્યારે યોગ દિવસની ઉજવણી હજુર પેલેસ પાછળ આવેલ ચોપાટીના મેદાનમાં દરિયાના કિનારે કરવામાં આવી હતી. આ કાર્યક્રમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનમાં જિલ્લાના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રભારી અને પ્રવાસન ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડા સાથે ધારાસભ્ય બાબુ બોખીરીયા અને જિલ્લા કલેકટર એમ.એચ પંડયા સહિતના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રભારી મંત્રી જવાહર ચાવડાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો અને રમણીય સમુદ્ર કિનારે યોગ કરવાનો અનેરો આનંદ માણ્યો હતો.
પોરબંદર ઐતિહાસિક જિલ્લો હોવાથી વિવિધ જગ્યાએ જેમકે કીર્તિમંદિર જાંબુવતી ગુફા, સાંદિપની હરિ મંદિર, માધવપુર બગવદરના સૂર્યમંદિર જેવા ધાર્મિક ઐતિહાસિક સ્થળો સહિત 589 સ્થળોએ 1. 56 લાખ જેટલા લોકોએ સવારે સામુહિક યોગાભ્યાસ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. આ અવસર પર શાળામાં અભ્યાસ કરતા બાળકો તથા કોલેજના યુવાનો સહિત જિલ્લાના છેવાડાના ગામના લોકો અને શહેરીજનો પણ સામુહિક યોગમાં જોડાયા હતા.