પોરબંદર : સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીની જન્મભૂમિ પર દરિયાકિનારે કોસ્ટ ગાર્ડ દ્વારા કોસ્ટલ ક્લીનઅપ ડે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં સ્કૂલના બાળકો સહિત નેવી, કોસ્ટ ગાર્ડ, પોલીસ સહિત સ્કૂલના બાળકો દ્વારા એક જૂથ થઈ 10 ટનથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
કોસ્ટલ ક્લીનઅપ ડે : વિશ્વભરમાં 1986 થી આંતરરાષ્ટ્રીય લેવલે દરિયાકિનારામાં વધતા જતા કચરાથી સમુદ્ર જીવસૃષ્ટિને બચાવવા કોસ્ટલ ક્લીનઅપ ડે આયોજીત કરવામાં આવે છે. જે અંતર્ગત સપ્ટેમ્બરના ત્રીજા શનિવારના રોજ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે.
સ્વચ્છતા અભિયાન : આ અંગે પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેની સાથે સાથે દરિયાઈ જીવ તથા કિનારાની આસપાસ નુકસાન ન થાય તે માટે પણ જાળવણી કરવામાં આવી રહી છે. ત્યારે દરિયાકિનારા માટે સ્વચ્છતા અભિયાન ખૂબ જ જરૂરી છે. આજે આ ઝુંબેશનું આયોજન વિશ્વભરમાં થયું છે. ત્યારે પોરબંદરમાં પણ મેગા યુનિટમાં પોરબંદરના દરિયાકિનારે સ્વચ્છતા અભિયાનમાં અનેક લોકો જોડાયા છે. આ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી નહીં પરંતુ કાયમી ધોરણે રહે તેવી આશા જિલ્લા કલેકટરે વ્યક્ત કરી હતી.
ભારત સહિત વિશ્વભરમાં આજનો આ દિવસ દરિયાકિનારાની સ્વચ્છતા અભિયાન તરીકે મનાવવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી નહીં પરંતુ કાયમી ધોરણે રહે તેવી આશા છે. -- કે. ડી. લાખાણી (જિલ્લા કલેકટર, પોરબંદર)
10 ટન કચરો સાફ : ભારતીય કોસ્ટગાર્ડ પોરબંદર હેડ કવાર્ટરના વડા પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજના દિવસે પોરબંદર જ નહીં ભારત સહિત વિશ્વભરમાં દરિયાકિનારા પર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આજે 10 ટનથી પણ વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. જેના દ્વારા પોરબંદરવાસીઓ અને દેશવાસીઓ સુધી એક સંદેશ આપવામાં આવી રહ્યો છે. જેનાથી સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે.
જનતાને અપીલ : ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આયોજિત આ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પ્રમુખ બન્યા બાદ આજે પ્રથમ કાર્યક્રમ સ્વચ્છતાનો છે. ત્યારે પોરબંદરવાસીઓને પણ અપીલ કરું છું કે, પોરબંદરને પણ સ્વચ્છ રાખે અને પાલિકાને સ્વચ્છતા બાબતે પૂર્ણ સહકાર આપે.