પોરબંદર : પોરબંદર પર બિપરજોય વાવાઝોડું આજે ભારે પવન અને વરસાદ લાવી શકે છે. બિપરજોયનો ખતરો પોરબંદર પર તોળાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર પોરબંદરથી 290 કિમિ દૂર છે. સાંજના 5 કલાક બાદના સમયે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ અને અતિભારે પવન ફૂંકાવાની શકયતા વ્યક્ત કરાઈ છે.
ટાવરોનું કરાયું નિરીક્ષણ : પોરબંદર તંત્ર દ્વારા તમામ ટાવરોનું નિરીક્ષણ કરાયું છે. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાના ખતરાના પગલે તેની સામે પૂરતી તૈયારી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર શહેરમાં મોટા એપાર્ટમેન્ટમાં લગાવવામાં આવેલા મોબાઈલ ટાવરોની પણ તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જોખમી લાગતા ટાવરો ઉતારવાની સૂચના પણ આપવામાં આવી હતી.
4000નું સ્થળાંતર : પોરબંદર જિલ્લામાં 4,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યાં છે. વાવાઝોડા અસરગ્રસ્તો માટે 130થી વધુ સ્થાનો પર સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનીની આગાહી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આજે વધુ 700 લોકોને વિવિધ આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં 1273, પોરબંદર શહેરમાં 868, રાણાવાવ તાલુકામાં 1140 અને કુતિયાણામાં 1141, એમ 4000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઝાડ પડ્યાં વીજળી ગુલ : પોરબંદર જિલ્લાના અનેક ગામડાઓમાં વાવાઝોડાની અસરના કારણે અનેક વીજપોલ ધરાશાયી થયા છે અને વીજ પુરવઠો ગુલ થઈ ગયો છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં 40થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર સેફટી વિભાગ દ્વારા તાત્કાલિક વૃક્ષની ડાળીઓનું કટિંગ કરી તેને ખસેડવાની કામગીરી હાથ ધરવમાં આવી છે.