પોરબંદરઃ ગુજરાત રાજયનું એકપણ બાળક કુપોષણનો શિકાર ન બને તે માટે ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. આપણે સિંગ, ગોળ, રોટલા, છાશ, દહી, જેવો દેશી ખોરાક રોજીંદા જીવનમાં લેવો જોઇએ જેથી આપણુ શરીર તંદુરસ્ત અને બિમારી મુક્ત બને જેથી સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શકે.
બખરલા ગામના સરંપચ અરસીભાઇ ખુંટીએ આ પ્રસંગે કહ્યુ કે, બખરલા ગામને કુપોષણ મુક્ત કરવુ છે. ગામનું એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે સરકાર ચિંતા કરે છે. જેથી આ અભિયાનમાં આપણે પણ સાથ સહકાર આપવો જોઇએ.
રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સ્વસ્થ સમાજના નિર્માણ અર્થે રાજ્ય સરકારે ગુજરાત પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. પોરબંદર જિલ્લામાં પોષણ અભિયાનના બીજા દિવસે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહિતના આગેવાનો મહાનુભાવોએ જિલ્લાના ગામોની આંગણવાડી કેન્દ્ર વિસ્તારોની મુલાકાત લીધી હતી
.આંગણવાડીના કુપોષિત બાળકો ને સરકાર ની યોજનાનો પુરેપુરો લાભ મળે અને બાળકોની વિશેષ કાળજી રાખી તે સ્વસ્થ થઈ જાય એ માટે તેઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તથા પાલક વાલીઓ અને શ્રેષ્ઠીઓનું બહુમાન કર્યું હતું.
પોષણ અભિયાનમાં સૌ કોઇ જોડાય જન જન સુધી પોષણ અભિયાનનો સંદેશો પહોંચે તે હેતુથી બાળ તંદુરસ્ત હરિફાઇ, વાનગી હરિફાઇ, ચિત્રસ્પર્ધાનાં વિજેતાઓને ઇનામ વિતરણ કરી અને ધાત્રીમાતાઓને અન્નપ્રાસન, માતૃશક્તિ અને ટી.એચ.આરનું વિતરણ કરવામાં આવ્યુ હતું.