પોરબંદરઃમુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડી ખાતાની અન્ય યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરવા પોરબંદરના દેગામ મહેર સમાજ ખાતે કોરોનાની ગાઇડલાઇન અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ગુજરાત ગ્રામ્ય ઉધોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર જિલ્લાના મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પોરબંદરના દેગામ ખાતે ખેડૂતોને વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા ધરતીપુત્રોના વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : મેઘજીભાઇ કણઝારીયા
આ પ્રસંગે મેઘજીભાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમા મૂકી છે. માવઠું, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક મદદ કરવા રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે. જેમાં રાજ્યના નાના-મોટા મધ્યમ તમામ ખેડૂતોને આવરી લીધાં છે. આ યોજનાના લાભ માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનું પ્રિમિયમ ભરવાનું નથી. ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ. યોજનાની જોગવાઈ મુજબ જે લાભ મળવાપાત્ર હશે તે તમામ લાભો પણ મળશે. ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે, તેના લીધે ગુજરાતની ખેતી સમગ્ર દેશમાં આદર્શ અને પ્રેરણાદાયી બની છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પોરબંદરના દેગામ ખાતે ખેડૂતોને વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા મેઘજીભાઇએ જણાવ્યું કે, ધરતીપુત્રોના વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના સૂત્ર ખરા અર્થમાં સાકાર કરવાની દિશામાં આ સરકાર મક્કમતાથી આગળ વધીને સાત યોજનાઓ અમલમા મૂકી છે. જેમા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી યોજના, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ- જીવામૃત બનાવવા કીટ માટે સહાય યોજના, કિસાન પરિવહન યોજના, ખેડૂતો અને ખેત મજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટ યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના, ટપક સિંચાઇ મારફત પાણીના કરકસર ઉપયોગ માટે કોમ્યુનિટિ બેઝ ભૂગર્ભ પાણીના ટાકા બનાવવા સહાય યોજના તથા વિનામૂલ્યે છત્રી અને શેડ કવર પૂરા પાડવા યોજના અમલમાં મૂકી છે.આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નીલેશભાઇ મોરીએ જણાવ્યું કે, વર્તમાન સરકાર ખેડૂતોના કલ્યાણ માટે અનેક પગલાં ઉઠાવી રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજય સરકારના પારદર્શક વહીવટથી ખેડૂતોને પૂરતી સહાય મળી રહે છે.આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ આવડાભાઇ ઓડેદરા જિલ્લા કલેકટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકાર વી.કે. અડવાણી, પ્રાંત અધિકારી કે.વી.બાટી સહિત અધિકારીઓ, પદાધિકરીઓ ઉપસ્થિત રહ્યાં હતા.જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન. પરમારે સ્વાગત પ્રવચન કરી ખેડૂતોને ખેતીલક્ષી જુદી જુદી યોજનાઓની વિસ્તારથી માહિતી પૂરી પાડી હતી. નાયબ ખેતી નિયામક ગોહિલે કાર્યક્રમની આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં વિશાળ સખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂત ભાઇઓ તથા બહેનોનું મુખ્ય ગેઇટ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આરોગ્ય સ્ક્રિનિંગ કરાયું હતુ.