પોરબંદર શહેરમાં ચોપાટી ઉપરાંત પ્રવાસીઓને રિવરફ્રન્ટ એક નવું ફરવાનું સ્થળ મળશે જે પોરબંદરની યશકલગીમાં પણ વધારો કરશે. પોરબંદરના જિલ્લા કલેકટર D.N એન મોદીના જણાવ્યા અનુસાર 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિના દિવસે પોરબંદરમાં અનેક કાર્યક્રમો યોજાવાના છે. જેમાં પોરબંદરમાં આવેલ ગાંધીજીના જન્મ સ્થળે વહેલી સવારે આઠથી નવ કલાકે ભાવ બંધના કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદીના આહવાન અનુસાર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત બીજી ઓક્ટોબરના રોજ ચોપાટી ખાતે શ્રમદાન યોજાશે. જેમાં મુખ્યપ્રધાન સહિત બે હજાર જેટલા લોકો સફાઈ કરશે અને ત્યારબાદ ચોપાટી ઉપરાંત પ્રવાસીઓને માટે અંદાજે 45 કરોડના ખર્ચે અસ્માવતી રિવરફ્રન્ટનું નિર્માણ પોરબંદર ખાતે કરાયું છે. જેનું લોકાર્પણ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે કરવામાં આવશે.
બે કિલોમીટર લંબાઇ ધરાવતા અસ્માવતી રિવરફ્રન્ટ પ્રવાસીઓને આકર્ષવા મહત્વનું યોગદાન આપશે. ગાંધી જન્મસ્થળની મુલાકાતે આવતા લોકો હવે રિવરફ્રન્ટની પણ મુલાકાત લેશે. પોરબંદર અને છાયા એમ બે નગરપાલિકાને જોડતા અસ્માવતી રિવરફ્રન્ટનું નામ પૌરાણિક કથાઓમાં ઉલ્લેખિત અસ્માવતી નદી પરથી રખાયું છે. અહીં બાળકો માટે મનોરંજનની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બે હજાર લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટીપ્લોટ અને વિશાળ મેડીટેશન પાર્ક, ફ્લાવર પાર્ક, વિશાળ ફૂડઝોન સહિત આધુનિક સવલતો ધરાવતો રિવરફ્રન્ટ પોરબંદર શહેરની યશકલગીમાં વધારો કરશે.