- નેશનલ એથ્લેટીક્સ ગેમ્સમાં ભાગ લેનારા અમદાવાદના રમતવીરો પોરબંદર બીચ પર પહોંચ્યા
- કોરોના અસરઃ સ્પોર્ટ્સ સંકુલ બંધ હોવાથી અનેક એથ્લેટીક્સમાં પડી મુશ્કેલી
- સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રનીંગ ટ્રેક શરૂ કરાય તેવી માંગ
- વ્યક્તિગત રમત હોવાના લીધે અહીં સંક્રમણ ફેલાવવાનો ભય નહિવત
પોરબંદરઃ ફેબ્રુઆરી માસમાં 14 થી 16 વર્ષના રમતવીરો માટે નેશનલ ઇન્ટર ડીસ્ટ્રીક એથ્લેટીક્સ સમીટ તિરુપતિમાં યોજાશે. રાંચીમાં 27 ફેબ્રુઆરીના રોજ નેશનલ જુનિયર એથ્લેટીક્સ સમીટ યોજાશે. પરંતુ રાજ્યના રમતવીરો રનીંગ ટ્રેક અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંકુલો બંધ હોવાના કારણે પ્રેક્ટિસ કરી શકતા નથી. અમદાવાદના 8 જેટલા રમતવીરો સાથે કોચની ટીમ પોરબંદર પહોંચી હતી. પોરબંદરના રમણીય બીચ પર 8 દિવસ સુધી નેશનલ ગેમ્સ માટે પ્રેક્ટિસ કરી હતી. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રનીંગ ટ્રેક ઓપન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
સ્પોર્ટ્સ સંકુલ બંધ હોવાથી અનેક એથ્લેટીક્સને પડી રહી છે મુશ્કેલી
કોરોનાના સમયમાં અનેક લોકોને મુશ્કેલી પડી છે. ત્યારે નેશનલ લેવલની એથ્લેટીક્સ સ્પર્ધામાં રમવા જતા રમતવીરોને સ્પોર્ટ સંકુલ બંધ હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે. ઘરમા ઓનલાઈન પ્રેક્ટિસ કરવામાં અને ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવામાં ખૂબ જ તફાવત છે. અમદાવાદમાં ચેમ્પસ એકડેમી ફોર સ્પોર્ટ્સ એક્સીલન્સના કોચ જોસેફ સબેસટીન દ્વારા 8 જેટલા રમતવીરો પોરબંદરના બીચ આવવાનું નક્કી કરાયું હતું. કારણ કે, પોરબંદરના બીચ પર સારી રીતે પ્રેકટીસ કરી શકાશે. 8 દિવસમાં થ્રો, જમ્પ, સ્પ્લિટ, બરછી ફેક, ગોળા ફેક, ચક્ર ફેક, મીડલ ડિસ્ટન્સ અને રનિંગ પ્રેકટીસ કરી હતી. જો એથ્લેટીક્સ આ રીતે પ્રેકટીસ ન કરે તો તેને જીતવા માટે અનેક મુશ્કેલીઓ પડી શકે છે .પોરબંદર બીચ સૌથી સુંદર અને સ્વચ્છ હોવાથી રમતવીરોને પ્રેક્ટિસ માટે અનુકૂળ સાબિત થશે.
વ્યક્તિગત રમત હોવાથી સંક્રમણ ફેલાવવાનો ભય નહિવત
અંડર 18 નેશનલ ગેમ્સ એથ્લેટીક્સમાં પ્રેક્ટિસ કરતા ક્રિસ્ટોફર ફર્નાન્ડીસએ જણાવ્યું હતું કે, તે છેલ્લા બે મહિનાથી નેશનલ ગેમ્સ માટે પ્રેક્ટિસ કરે છે. આ ગેમ માટે સિન્થેટિક ટ્રેક પ્રેક્ટિસ કરવી પણ જરૂરી બને છે. રમત-ગમત સંકુલ વહેલી તકે ખોલવામાં આવે તો અમે તેમાં પણ પ્રેક્ટિસ કરી શકીએ છે. અમદાવાદથી પોરબંદર આવીને પોરબંદરના બીચ પર પ્રેક્ટિસ કરવી વધુ સારું લાગ્યું છે. જ્યારે અમદાવાદના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિષ્ણુ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ માસ્ટર એથ્લેટીક્સ માટેની તૈયારી કરે છે અને દરરોજ 6 કલાક જેટલું વર્કઆઉટ કરે છે. નવા તૈયાર થતા એથ્લેટીક્સને વધુમાં વધુ પ્રેક્ટિસ કરવા પ્રેરિત કર્યા હતા. આ સાથે ગુજરાતનું નામ રોશન કરવા જણાવ્યું હતું. પોરબંદર બીચ એથ્લેટીક્સની પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. તેનો લાભ પોરબંદરના લોકો અને યુવાનોએ લેવો જરૂરી છે.