પોરબંદરઃ રાણાવાવનું આદિત્યાણા ગામએ આસપાસના નાના ગામડાઓ માટે મહત્વનું સેન્ટર છે અને અહી વીસ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. આ ગામમાં એક માત્ર બેંક ઓફ બરોડા (પૂર્વ દેનાબેંક) છેલ્લા 40 વરસથી કાર્યરત છે.
સમગ્ર વિસ્તારનીઆ એક માત્ર બેંક હોવાથી આદિત્યાણા ઉપરાંત આસપાસના ગામોના ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ વગેરેનો આર્થિક વહીવટ આ બેંક મારફત જ ચાલતો હતો અને વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ઉપરાંત સરકારની અન્ય યોજનાઓના નાણાં પણ અહી જ ખાતેદારોના ખાતામાં જમા થતા હતા.
આદિત્યાણાની આ બેંક આદિત્યાણાની 20 હજારની વસ્તી ઉપરાંત આસપાસના ડુંગરાળ વિસ્તારના નેસ તેમજ અન્ય દસ જેટલા ગામો લોકો આ બેંકની સેવાનો લાભ લે છે. જેમાં 20 હજાર સેવિંગ ખાતા, 2 હજાર શાળાના વિદ્યાર્થીઓના ખાતા, એક હજારથી વધુ ખેડૂતોના ખાતા છે. જેઓને બેંકની સેવા, મનરેગા, મુદ્રા યોજના, પાક ધિરાણ,બચત, ફિક્સ ડિપોઝીટ વગેરે સેવાઓનો લાભ લેવા માટે રાણાવાવ સુધી 10 કિમીના ધક્કા ખાવા પડશે. જેમાં દરેક ખાતેદારનો સમય અને પૈસાનો પણ વ્યય થશે .આથી બેંકનું રાણાવાવ સ્થળાંતર કરવાના વિરોધમાં આદિત્યાણા ગામે સજ્જડ બંધ પાડ્યું હતું અને ગામના ચોકમાં બેંક વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં.
મહેર અગ્રણી ભીમાભાઇ દુલાભાઈ ઓડેદરા, ધીરુભાઈ કેશવાલા, પ્રકાશભાઈ પંડિત સહિતના અગ્રણીઓની આગેવાનીમાં બેંકના સત્તાવાળાઓને આવેદન પણ પાઠવ્યું હતું. હજુ જો બેંક દ્વારા સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવશે, તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઈ છે.