- પોરબંદરમાં મહિલા સાથે ત્રણ વખત દુષ્કર્મ
- દુષ્કર્મનો આરોપી વનકર્મી દોઢ માસે ઝડપાયો
- ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કર્યો
પોરબંદરઃ દેશ અને રાજ્યમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જિલ્લામાં મહિલા પર દોઢ માસ પહેલા વન વિભાગના બીટ ગાર્ડે ધાક ધમકી આપી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી દોઢ માસથી ફરાર હતો. છેલ્લા દોઢ માસથી નાસતા ફરતા બીટ ગાર્ડની LCBએ ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ પર લીધો હતો. જેના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યો છે.
દોઢ માસ પહેલા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ
રાણાવાવ વનવિભાગ હેઠળની એક બીટમાં મહિલાએ દોઢ માસ પહેલા દુષ્કર્મ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાણા કંડોરણા ગામે રહેતો અને બીટમાં કામ કરતો સાગર વિરમ સીસોદીયા નામના બીટ ગાર્ડે મહિલાની એકલતાનો લાભ લઇને 3 મહિના પહેલા વનવિભાગના ગેસ્ટહાઉસમાં બળજબરીથી લઇ જઇને 3 વખત દુષ્કર્મ ગુજાર્યું હતુ. દુષ્કર્મ ગુજાર્યા બાદ મહિલા કોઈને ફરિયાદ કરશે તો તેમના પતિ અને બાળકોને મારી નાંખવાની ધમકી આપી હતી.
આરોપી અમદાવાદ રૂમ રાખીને રહેતો હતો
આ અંગે પોલીસ ફરિયાદ બાદ આરોપી છેલ્લા દોઢ માસથી ફરાર હતો. આ આરોપીને LCBએ પોરબંદરમાંથી જ ઝડપ્યો છે. આરોપીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આ રિમાન્ડ દરમિયાન એવું સામે આવ્યું છે કે, સાગર અમદાવાદ નાસી ગયો હતો. તેમજ અમદાવાદમાંં રૂમ રાખીને રહેતો હતો. તેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આથી પોલીસે આરોપીને જેલહવાલે કર્યો છે.