ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદર દ્વારા કેદીઓ માનસિક તણાવમાંથી મુક્ત બને તે માટે પોરબંદરની ખાસ જેલમાં લાફિંગ યોગા તેમજ યોગા પ્રાણાયામની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, હરદેવભાઈ ગોસ્વામી દ્વારા યોગ, પ્રાણાયામ તથા અકસ્માત સમયે ઘાયલોને કેવી રીતે બહાર કાઢવા તેનો ડેમો આપવામાં આવ્યો હતો. ઉપરાંત પરેશભાઈ અભાણી દ્વારા લાફિંગ યોગા કરાવવામાં આવ્યા હતા. જેમાં, તમામ કેદીઓ હસી પડ્યા હતા અને માનસિક તણાવમાંથી મુક્ત બન્યા હતા.
પોરબંદરના પ્રિન્સિપાલ જજ એસ.જી રાજે જણાવ્યું કે, ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદર દ્વારા જેલમાં અનેક કાર્યક્રમો યોજાય છે. જેમાં, રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, મેડિકલ ટેસ્ટ કેમ્પ, વિશ્વ યોગ દિવસની ઉજવણી સહિતના વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત દર શનિવારે સાંજે ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાય છે. રવિવારે લાફિંગ યોગા અને પ્રાણાયામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, 153 જેટલા કેદીઓએ ભાગ લીધો હતો અને કેદીઓ માનસિક તણાવમાંથી મુક્ત બને તે માટેનો પ્રયાસ કરાયો હતો.
આ શિબિરમાં પોરબંદરના પ્રિન્સિપાલ જજ એસ.જે. રાજે, સેક્રેટરી લીગલ સર્વિસ એચ.એસ લાંગા તથા ઇન્ચાર્જ જેલ સુપરિન્ટેન્ડેન્ટ એલ એમ.બાર મેરા સહિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદરના સભ્યો અને જેલ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.