પોરબંદરના જિલ્લા કલેકટર ડી એન મોદીએ જણાવ્યું હતું કે 'મહા' વાવાઝોડુ વેરાવળ, દિવ દરિયાથી લગભગ ૫૫૦ કિ.મી અંતરે દૂર છે. પોરબંદરમાં તેની અસર 5 તારીખે મોડી રાત્રે થઈ શકે છે. આ ઉપરાંત 6 તારીખે વહેલી સવારે વધુ અસર કરે જેથી પવન ફૂંકાશે તથા હળવાથી વધારે વરસાદની પણ શક્યતા છે. આ બાબતે જિલ્લાના તમામ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે તથા વાવાઝોડાની તૈયારીની બેઠક બોલાવી તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયા કિનારાના વિસ્તારોમાં સતર્ક રહેવા સૌને અપીલ કરી છે.
હવામાન વિભાગ દ્વારા પોરબંદરના બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે અને તમામ વિભાગોને આગાહી મુજબ સમયાંતરે સૂચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર બાબતે પણ તૈયારી કરવામાં આવી છે અને એનડીઆરએફ અને એસઆરપીની ટીમ પણ રાજ્યકક્ષાએથી ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે