- પાકિસ્તાન દ્વારા માછીમારોની પકડા-પકડીનો ખેલ બંધ થાય: સાંસદ રામભાઈ મોકરિયા
- પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવેલા માછીમારોને મુક્ત કરવા વડાપ્રધાનને કરી રજૂઆત
- પાકિસ્તાન દ્વારા ગુજરાતના દોઢસો જેટલા માછીમારોના અપહરણ થયા
પોરબંદરઃ પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી અવાર-નવાર ભારતીય બોટોના અપહરણ કરી જાય છે. જેમાં સૌથી વધુ ફીશીંગ બોટો ગુજરાતના પોરબંદરની હોય છે. હજૂ પણ પાકની નાપાક હરકત યથાવત છે અબજો રૂપિયાની 1,130 જેટલી ફીશીંગ બોટોને તથા ત્યાંની જેલોમાં સબડતા 540 જેટલા માછીમારોને મુક્ત કરાવવા માટે તાત્કાલિક ભારત અને પાકિસ્તાન સરકારે ચર્ચા કરીને કાર્યવાહી કરવી જોઇએ. સાંસદ રામભાઇ મોકરીયાએ દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી.
પાકિસ્તાનના કબજામાં ભારતની લગભગ 1,130 જેટલી ફીશીંગ બોટો
પોરબંદરના વતની અને કુરીયરના બિઝનેસ સાથે સંકળાયેલા તથા તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ પસંદગી પામેલા પોરબંદરના રામભાઇ મોકરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રમાં ભારતના અરબી સમુદ્રના કીનારે વસેલા ગુજરાત રાજ્યના માછીમારોની પીડા અને પરેશાની વિશે માહિતી આપી હતી કે, વર્ષોથી માછીમાર સમાજ સમુદ્રમાં માછલીઓ પકડીને પોતાનું અને પોતાના પરિવારજનોનું પાલન-પોષણ કરી રહ્યા છે. તેના પર અન્ય અનેક ધંધાઓ પણ નિર્ભર રહે છે. પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરીને ભારતીય માછીમારોને અપહરણ કરીને બોટો સાથે ઉઠાવી જવામાં આવે છે. માછીમાર સમાજના પ્રતિનિધિ મંડળોએ પણ જણાવ્યું છે અને અલગ-અલગ રીતે મળેલી માહિતી પ્રમાણે હાલ પાકિસ્તાનના કબજામાં ભારતની લગભગ 1130 જેટલી ફીશીંગ બોટો છે. જેમાંથી અંદાજે 900 જેટલી ફીશીંગ બોટો માત્ર પોરબંદરની છે. અંદાજે 540થી વધુ માછીમારો પણ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. અમાનવીય અને દર્દનાક અત્યાચાર સહન કરી રહ્યા છે. ઉપરાંત એક ફીશીંગ બોટ અંદાજે 50 થી 60 લાખ રૂપિયાની બને છે.
માછીમાર સમાજની આજીવિકાનું સંકટ દૂર કરવા વડાપ્રધાનને રજૂઆત
એક ફીશીંગ બોટનું અપહરણ થાય તો 5 થી 6 માછીમાર પરિવારો સંકટમાં મુકાઇ જતા હોય છે. રામભાઇ મોકરીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા એક મહિનાની અંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીએ ગુજરાતની 30 જેટલી ફીશીંગ બોટ અને દોઢસો જેટલા માછીમારોના અપહરણ કર્યા છે. જેમાંથી મોટાભાગની બોટો પોરબંદરની છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ અનુરોધ કરીને રામભાઇ મોકરીયાએ જણાવ્યું છે કે, પાકિસ્તાન સરકાર સાથે આ મુદ્દે વાતચીત કરીને ભારતીય ફીશીંગ બોટો અને ત્યાં બંદીવાન બનાવાયેલા માછીમાર ભાઇઓને તાત્કાલિક મુક્ત કરાવીને ભારત પરત મોકલી દેવામાં આવે તેવી કાર્યવાહી થવી જોઇએ. પીડિત માછીમાર સમાજની આજીવિકાનું સંકટ દૂર કરવા માટે પણ મદદ કરવી જોઇએ. ભારતીય નૌસેના અને કોસ્ટગાર્ડની કાર્યક્ષમતા પર દરેક ભારતીયોને ગર્વ છે, ત્યારે ભવિષ્યમાં બોટોના અપહરણનો એટલે કે, પકડા-પકડીનો ખેલ બંધ થાય તે મુદ્દે પણ ગંભીરતાથી વિચારવું જરૂરી બની ગયું છે. તેમ પણ રામભાઇ મોકરીયાએ પત્રના અંતે ઉમેર્યુ હતું.