પોરબંદરઃ શહેરમાં ખારવા સમાજનું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં કચ્છથી માંડી મુંબઈ સુધીના ખારવા સમાજના આગેવાનો અને વિવિધ તાલુકા તથા જિલ્લા કક્ષાના પ્રમુખોએ હાજરી આપી હતી.
અહીં સમાજને લગતા નાના-મોટા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ સરકાર તરફથી પોતાના સમાજને જે કંઈ લાભો મળવાપાત્ર હોય તે અંગે પણ ચર્ચા કરી હતી. સાથે જ સમાજને આગળ લઈ જવા અને દિકરા-દિકરીઓને શિક્ષણનું સ્તર સુધારવા માટે પણ વાતાઘાટો કરવામાં આવી હતી.
ખારવા સમાજના આ અધિવેશનમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા, પોરબંદર ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તેમજ પંચ પટેલ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.