પોરબંદર : ભારતીય જળસીમાં પરથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા અનેકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. ત્યારે સાલ 2021-22 તથા 2019ના ગાળામાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડવામાં આવેલ ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન પકડાયેલા માછીમારોને મુક્ત કરવાનો એક સંદેશો ઇન્ડિયા પાકિસ્તાન ડેમોક્રેસી એન્ડ પીસ ફોરમના રાષ્ટ્રીય કારોબારી સભ્ય જીવનભાઈ જુંગીને મળ્યો છે. આગામી સમયમાં માછીમારોના નામ સાથેનું લિસ્ટ પણ આવશે.
ઇન્ડિયા પાકિસ્તાન ડેમોક્રેસી એન્ડ પીસ ફોરમના રાષ્ટ્રીય કારોબારી સભ્ય જીવન જંગીએ જણાવ્યું હતું કે, ભારતીય માછીમારોના પરિવારજનો માટે સારા સમાચાર છે. આગામી 9 નવેમ્બરના રોજ પાકિસ્તાન જેલમાં કેદ 80 ભારતીય માછીમારોને પાકિસ્તાન સરકાર મુક્ત કરશે. આગામી 09 નવેમ્બરના રોજ 80 માછીમારો વાઘા બોર્ડર પહોંચશે અને 12 નવેમ્બરના રોજ તેઓ તેમના વતન વેરાવળ પહોંચશે.
173 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ : પાકિસ્તાન સરકાર દ્વારા 80 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે, તેવા સમાચાર મળતા જ ભારતીય માછીમાર પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ છે. સમય અંતરે પાકિસ્તાન દ્વારા પહેલા 199 ત્યારબાદ 200 અને હવે 80 ભારતીય માછીમારોને છોડવામાં આવી રહ્યા છે. અંદાજીત 173 જેટલા માછીમારો હજી પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે. તેઓને પણ વહેલી તકે છોડવામાં આવે તેવા પ્રયાસો તેમની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાનના 83 જેટલા માછીમારો ભારતની જેલમાં કેદ : દિવાળી એ ખુશીનો તહેવાર છે અને આ તહેવાર ઉપર પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને મુક્ત કરવાના સમાચાર ભારતીય માછીમારોનો પરિવારજનો સાંભળીને ખુશ થઈ રહ્યા છે. ત્યારે દિવાળીની ખુશીમાં પોતાનો કમાનાર ભાઈ, દીકરો કે પતિ ન હોય તે લોકોના ઘરમાં કેવો માહોલ હોય તે આપણે સમજી શકીએ છીએ. આથી ભારત સરકાર દ્વારા પણ ભારતમાં કેદ 83 જેટલા પાકિસ્તાની માછીમારોને છોડવામાં આવે આથી બંને દેશો વચ્ચે સાનુકૂળ અને સહાનુભૂતિનું વાતાવરણ ઊભું થાય. આગામી દિવસોમાં માછીમારોને પકડવાની કામગીરીને રોક લાગે તેવી રજૂઆત પણ પાકિસ્તાન ઇન્ડિયા ડેમોક્રેસી એન્ડ પીસ ફોરમ દ્વારા બન્ને દેશની સરકારને કરવામાં આવી છે.