પોરબંદરઃ પાકિસ્તાનની ફરી એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન દ્વારા વારંવાર ભારતીય જળસીમા પરથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ફરી એક વખત જળસીમાં પરથી 8 બોટ અને 40 માછીમારોનું પાકિસ્તાન મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે.
જો કે, આ ઘટના અંગે પાક મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા કોઈ કન્ફર્મેશન મેસેજ હજુ સુધી ન કરાયા હોવાનું નેશનલ ફીશ ફોરમના સભ્ય મનીષ લોઢારીએ જણાવ્યું છે. માછીમારોના અપહરણ બાબતે અનેકવાર માછીમારોએ બંને દેશની સરકારને રજૂઆત કરી છે અને અનેકવાર બંને દેશના આગેવાનો દ્વારા મીટીંગો પણ યોજાય છે. પરંતુ તેમ છંતા હજુ આ બાબતે કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. જેથી અવારનવાર માછીમારોના પરિવાર આવી ઘટનાનો ભોગ બને છે.
બોટના અપહરણથી બોટ માલિકને મોટું નુકસાન થાય છે અને અનેક પરિવારોના મુખ્ય વ્યક્તિને પાકિસ્તાનમાં જેલ ભોગવવાનો વારો આવે છે, જેથી અનેક પરિવારો વિખૂટા પડી જાય છે. પાકિસ્તાનની જેલમાં અનેક માછીમારોનું મોત થયા હોવાના બનાવ પણ બન્યા છે, ત્યારે સરકાર આ બાબતે યોગ્ય ધ્યાન આપે અને યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ માછીમારોએ કરી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે, ત્યારે પાકિસ્તાન દ્વારા અનેકવખત ઘુસરખોરી કરી ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોના અપહરણ કરવાની આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ પાકિસ્તાન દ્વારા અનેક વખત માછીમારોનું તેમની બોટ સાથે અપહરણ કરવામાં આવ્યું છે, ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાને સૌરાષ્ટ્રની 3 બોટ સાથે 17 માછીમારોનું અપહરણ કર્યું હતું, ત્યારે બુધવારે વધુ એક વખત 40 માછીમારોનું અપહરણ કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, સાથે જ માછીમારોએ આ બાબતે યોગ્ય નિરાકરણ આવે તેવી માગ કરી છે.