- પોરબંદરમાં જાહેરમાં ચા પીવું પડ્યું ભારી
- જાહેરનામા મુજબ પાર્સલમાં જ ખાદ્ય પદાર્થનું વેચાણ કરી શકાશે
- પોલીસે જાહેરમાં ચા પીનારને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો
- માવો ખાઇ રહેલા વ્યક્તિને 1000 રૂપિયાનો દંડ
પોરબંદરઃ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ખાદ્ય ચીજ-વસ્તુઓ પાર્સલ સુવિધામાં જ રાખવાનું ફરમાન કર્યું છે, ત્યારે પોરબંદરમાં એક વ્યક્તિ જાહેરમાં ચા પીતો જોવા મળ્યો હતો. જેથી કીર્તિ મંદિર પોલીસે જાહેરનામા ભંગ બદલ તે વ્યક્તિને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જાહેરમાં ચા પીતા દંડ ફટકારાયો
ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા વિવિધ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરી છે. જેના અનુસંધાને પોરબંદર શહેરમાં આવેલા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ આહીર તથા તેમના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પેટ્રોલિંગ દરમિયાન ડ્રીમલેન્ડ સિનેમા પાસે 'લાબેલા ટી હાઉસ'માં એક વ્યક્તિ જાહેરમાં ચા પીતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે આ વ્યક્તિને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ લિબર્ટી પોલીસ લાઈન પાછળ એક વ્યક્તિ જાહેરમાં માવો ખાતા જોવા મળ્યો હતો. જેથી પોલીસે આ વ્યક્તિને પણ 1000નો દંડ ફટકાર્યો છે. આમ પોરબંદરમાં એક વ્યક્તિને 5 રૂપિયાની ચા માટે 1000 રૂપિયા ચૂકવવા પડ્યા હતા, જ્યારે અન્ય વ્યક્તિને 10 રૂપિયાના માવામાટે 1000 રૂપિયા ચુકવવા પડ્યા હતા.
નિયમનું પાલન કરાવવા દંડ ફટકારાયો
આ સમગ્ર બાબતે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના PI એચ આહીરે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પાર્સલ સુવિધા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનું અનેક લોકો ઉલ્લંઘન કરવા જોવા મળે છે. જેથી આ જાહેરનામાનું પાલન કરાવવા અને સંક્રમણ અટકાવવા આ મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે.