પાટણ: વર્ષ 2024 માં લોકસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરી છે. ત્યારે રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરના સન્માન સમારોહના નામે જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલ્પેશ ઠાકોરે રાધનપુર મતવિસ્તારમાંથી એક લાખથી વધુ મતોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો.
કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ: તો બીજી તરફ આગામી લોકસભાની ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના મુજબ પાટણ ખાતે યુનિવર્સિટીના રંગ ભવન હોલમાં પાટણ લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠકોના કોંગ્રેસના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો સાથેનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉત્તર ઝોનના પ્રભારી રામકિશન ઓઝા અને સી. ડબ્લ્યુ. સી. ના સભ્ય જગદીશ ઠાકોરે કાર્યકર્તાઓ સાથે અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરી હતી.
ભાજપ માટે નબળી બેઠક: રાજકીય વિશ્લેષકોના મતે પાટણ લોકસભા બેઠક એ ભાજપ માટે નબળી ગણવામાં આવી રહી છે. આ લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકો પૈકી ચાર બેઠકો કોંગ્રેસ પાસે છે, જ્યારે ત્રણ બેઠકો ભાજપ પાસે છે. જેથી કોંગ્રેસનું પલ્લું ભારે હોય આ લોકસભા બેઠક જીતવા કોંગ્રેસ દ્વારા પણ કમર કસી રણનીતિ ઘડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કરી કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા.
કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠકોનો રોડ મેપ તૈયાર કરવાના ભાગરૂપે રાજ્યમાં દરેક લોકસભા બેઠકો ઉપર કાર્યકરો સાથે સંવાદ બેઠક કરી સંગઠન માળખાની જાણકારી મેળવી તેનો વિસ્તૃત અહેવાલ પ્રદેશ પ્રભારીને સોંપવામાં આવશે. 15 તારીખ સુધીમાં આ કામગીરી સમગ્ર રાજ્યમાં પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતની લોકસભાની 26 બેઠકો જીતવા માટે કોંગ્રેસ રોડમેપ તૈયાર કરશે. - જગદીશ ઠાકોર, CWCના સભ્ય
PM અને HMને ગણાવ્યા પાર્સલ: ઉત્તર ઝોનના પ્રભારી રામકિશન ઓઝાએ ભાજપ સરકાર ઉપર વધતી જતી મોંઘવારી બેરોજગારી દેશની વેચાઈ રહેલી સંપત્તિ ઉપર આકરા પ્રહાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પાર્સલ ગણાવ્યા હતા. ભાજપના શાસન દરમિયાન નિષ્ફળતાના વિવિધ મુદ્દાઓ મતદારો સુધી લઈ જઈ કોંગ્રેસ તરફી મતદાન કઈ રીતે કરાવી શકાય તે અંગેનું માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યુ હતું.