● તોલમાપ વિભાગે નવા ગંજબજારના વીરકૃપા ઓઈલ ડેપોમાં કરી રેડ
● સોયાબીનના ડબ્બાઓ ઉપર સરકારના નિયમ મુજબ લખાણ ન હોવાથી કાર્યવાહી કરાઇ
● રૂ. 68,000ની કિંમતના 38 ડબ્બા કર્યા જપ્ત
પાટણ: શહેરના નવા ગંજબજારમાં આવેલા વીરકૃપા ઓઇલ ડેપોમાં સોયાબીન ખાદ્ય તેલના ડબ્બાનું અપ્રમાણસર અને અનિયમિત વજનથી વેચાણ કરતા નિયમોના ભંગ બદલ તોલમાપ વિભાગે કાર્યવાહી કરી હતી. જેમાં અધિકારીઓએ રૂ. 68,000ની કિંમતના 38 ડબ્બા જપ્ત કર્યા હતા.
તોલમાપ વિભાગને મળી હતી ફરિયાદ
નવા ગંજબજારના વીરકૃપા ઓઇલ ડેપોમાં નિયમોના ભંગની ફરિયાદ જિલ્લાના તોલમાપ વિભાગને મળી હતી. જેના આધારે બુધવારે તોલમાપ અધિકારી સહિતની ટીમે આ દુકાનમાં રેડ કરી ખાદ્યતેલના ડબ્બાઓની ચકાસણી કરી હતી.
વેપારીઓમાં ફફડાટ
ડીસાના જગન્નાથ ટ્રેડિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલા સોયાબીન ખાદ્યતેલના ડબ્બા ઉપર લીગલ મેટ્રોલોજી એક્ટ-2009 અને 2011 મુજબ ઉત્પાદકનું નામ, સરનામું, ચીજ-વસ્તુનું નામ મેન્યુફેક્ચરિંગ વર્ષ, મહિનો અને તારીખ, વજન, કસ્ટમર કેર નંબર, ઇમેલ એડ્રેસ સહિતની જોગવાઇઓનું નિર્દેશન ન હોવાને કારણે તોલમાપ અધિકારીઓએ સોયાબીન તેલના રૂ. 68,000ની કિંમતના 38 ડબ્બા જપ્ત કરતા તેલના અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.