- વરસાદને લઇ રેલવેના બંને નાળામાં ભરાયા પાણી
- રેલ્વે નાળામાં પાણી ભરાતા હાર્દ સમાન પ્રવેશ દ્વાર થયો બંધ
- પાણીને લઇને વાહન વ્યવહાર ખોરવાયો
- યુનિવર્સિટી રોડ પર બંને સાઇડ સર્જાઈ કતારો
- ટ્રાફિકને કારણે વાહનચાલકો અને રાહદારીઓ કલાકો સુધી અટવાયા
પાટણ: શહેરમાં રવિવારે મોડી પડેલા વરસાદને કારણે રેલવે ગરનાળામા તેમજ કોલેજ કેમ્પસના અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો. આ બન્ને માર્ગો બંધ થતાં વાહન વ્યવહાર યુનિવર્સિટી રોડ પર કાર્યરત થતાં ટ્રાફિકજામ સાથે અંધાધૂંધી ફેલાઈ હતી અને બંને બાજુ વાહનોની લાંબી લાંબી લાઈનો લાગતા વાહનચાલકો અને રાહદારીઓ કલાકો સુધી અટવાયા હતા. આ મામલે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી રેલવે અંડરબ્રીજમાં ભરાઈ રહેતા વરસાદી પાણીની સમસ્યા ઉકેલવા રજૂઆત કરી હતી.
ટ્રાફિક જામના વરવા દ્રશ્યો સર્જાયા
પાટણ નગરપાલિકાના ખાડે ગયેલા અને દિશા વિહીન વહીવટનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. વરસાદને કારણે શહેરના પ્રવેશદ્વાર સમાન રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઇ જતા નવજીવન 4 રસ્તાથી શહેરમાં પ્રવેશવાનો આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો. તો બીજી તરફ હજારો વિદ્યાર્થીઓની અવર-જવરથી ધમધમતા કોલેજ કેમ્પસ પાસેના અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાઇ જતાં તે પણ બંધ થયો હતો જેના કારણે આ બંને બાજુના વાહન વ્યવહારનો ઘસારો યુનિવર્સિટી રોડ પર થતાં ટ્રાફિક જામના વરવા દ્રશ્યો સર્જાયા હતા.
સમસ્યા તાકીદે ઉકેલવા રજૂઆત
ધારાસભ્ય કીરીટ પટેલ રેલવેના ચીફ એક્ઝિક્યુટીવ એન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીત કરી રેલ્વે નાળામાં ભરાઈ રહેતા પાણીના નિકાલ માટે કરી રજૂઆત કરી હતી. પાટણનાના ધારાસભ્ય કીરીટ પટેલ આ માર્ગ પર થઈ જુના સર્કિટ હાઉસ ખાતે જવા પસાર થતાં ટ્રાફિકની આ પરિસ્થિતિ જોઈ રેલવેના ચીફ એક્ઝિક્યુટીવ એન્જિનિયર રાજેશ મિત્તલ સાથે ટેલિફોનિક વાતચીત કરી રેલવેના નાળાઓમાં ભરાઈ રહેતા વરસાદી પાણી અને તેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને હજારો વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓને ભોગવવી પડતી મુશ્કેલીઓથી અવગત કરી આ સમસ્યા તાકીદે ઉકેલવા રજૂઆત કરી હતી.
નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર
પાટણમાં દર વર્ષે ચોમાસા પૂર્વે નગરપાલિકા પ્રિ-મોન્સૂન પ્લાન બનાવે છે પણ જ્યારે વરસાદ આવે છે ત્યારે આ પ્લાન માત્ર કાગળ ઉપર રહે છે અને શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ રેલવે ગરનાળામાં તથા કોલેજ પાસેના અંડરબ્રિજમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત રહે છે જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે.