પાટણઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતિ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવતા વિવિધ સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ ઘટનાને વખોડી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ વાલ્મિકી સમાજ સેવા મંડળ દ્વારા ગુરુવારના રોજ શહેરના બગવાડા ચોક ખાતે એકત્ર થયા હતા અને હાથમાં વિવિધ પ્લેકાર્ડ ધારણ કરી ન્યાયની માગણી સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.
તેઓએ આવેદનપત્ર આપી જણાવ્યું કે, આ ઘટનાના દોષિતો સામે SC-ST એક્ટ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરી પીડિત પરિવારને યોગ્ય વળતર ચૂકવી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
સરકાર દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી સમયમાં પાટણમાં વાલ્મિકી સમાજના સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો હડતાલ ઉપર ઉતરી સમગ્ર શહેરની સફાઈ કામગીરી બંધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.