પાટણ : ગુજરાતમાં વધી રહેલા વ્યાજખોરીના દુષણને ડામવા બાબતે સમગ્ર રાજ્યમાં ગૃહ વિભાગની સૂચનાથી પોલીસ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ દ્વારા પણ પાટણ ખાતે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સરહદી રેન્જના IGP જે.આર. મોથલિયાની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા 10 જેટલા લોક દરબાર યોજવામાં આવ્યા હતા. જેમાં 27 જેટલી ફરિયાદ નોંધાઇ છે.
પોલીસે કરી અપીલ : સિધ્ધપુર, રાધનપુર અને ચાણસ્મા વિસ્તારમાં પણ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. વ્યાજખોરોની કનડગતનો ભોગ બનેલા લોકો ડર્યા વિના પોલીસને જાણ કરે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેવી અપીલ કરવામાં આવી હતી. શહેર સહિત જિલ્લાના લોકોને વ્યાજખોરોની ચુંગલમાંથી છોડાવવા માટે પાટણ પોલીસ દ્વારા વિવિધ સેમિનાર તેમજ લોક દરબાર યોજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Usurers Case in Gujarat: વ્યાજખોરીના વિષચક્ર સામે સરકાર મેદાને, 1400થી વધુ વસૂલીઓ સામે ગુનો
10 લોક દરબારમાં 27 ફરીયાદ : પાટણ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા 10 જેટલા લોક દરબાર યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે વ્યાજખોરોથી પરેશાન થયેલા લોકોએ જાગૃત થઈ ફરિયાદ નોંધાવાની હિંમત કરી હતી. જેમાં પાટણ જિલ્લામાં એક માસ દરમિયાન કુલ 27 જેટલી ફરિયાદ નોંધાઇ છે. કલમ 384 અને 506ની સાથે પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં એક માસ દરમિયાન 40 જેટલા વ્યાજખોરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Loan Assistance: એક જ દિવસમાં 300થી વધુ લોકોએ 100 નંબર પર કોલ કર્યો, સરળતાથી લોન મળી
પોલિસના જનજાગૃતિના કાર્યક્રમો સફળ : પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી શહેર સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકા મથક પર વ્યાજખોરી બાબતે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે વ્યાજખોરોની કનડગતનો ભોગ બનેલા 27 લોકો પોલીસ સામે આવ્યા હતા. વ્યાજખોરો સામે હિંમત પૂર્વક ફરિયાદ નોંધાવતા પોલીસે પણ વ્યાજખોરો સામે ત્વરિત એક્શન લઈ 40 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેને લઈને અન્ય વ્યાજખોરો ભૂગર્ભમાં જતા રહ્યા છે. ખાસ કરીને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી તે સફળ થઈ છે. પોલીસ તંત્ર દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી અને આરોપીઓની ધરપકડ થઈ તે મામલે પાટણ SP વિજય પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.