- સિદ્ધપુર મુક્તિધામમાં મૃતદેહોની સંખ્યામાં સતત વધારો નોંધાયો
- મુક્તિધામમાં હાલ 60થી વધુ મૃતદેહોના થઇ રહ્યા છે અગ્નિસંસ્કાર
- મૃતદેહોની સંખ્યા વધતા ગેસ આધારિત અને લાકડાની ભઠ્ઠીઓ ક્ષતિગ્રસ્ત થઈ
પાટણ: સિદ્ધપુરના મુક્તિધામમાં સામાન્ય દિવસોમાં 20થી 25 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી મુક્તિધામમાં મૃતદેહોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે. મુક્તિધામમાં પાટણ જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી પણ મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે અવિરતપણે લાવવામાં આવી રહ્યાં છે. હાલમાં, મુક્તિધામ ખાતે સરેરાશ 60થી વધું મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવી રહ્યા છે. જેમાં, નિયમિત 5થી 15 કોરોનાગ્રસ્ત મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં કોરોના પ્રકોપ, મુક્તિધામમાં CNG ભઠ્ઠી સતત બળતી રહેતા દરવાજાની એંગલ પીગળી ગઈ
ભઠ્ઠીઓ સતત ચાલુ રહેતા પીગળી જવાની ભીતિ
મૃતદેહોનો સતત વધારો થતાં ગેસ આધારિત અને લાકડા આધારિત ભઠ્ઠીઓ સતત ચાલુ રહેતા પીગળી જવાની ભીતિ જોવા મળી રહી છે. જેને કારણે, સિદ્ધપુર મુક્તિધામના ચેરમેને જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અંતિમ સંસ્કાર માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં, કુદરતી રીતે મરણ થયેલા વ્યક્તિના અગ્નિસંસ્કાર નદીના પટમાં કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે, કોરોનાગ્રસ્ત મૃતદેહના અંતિમ સંસ્કાર સ્મશાનની અંદર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: સ્મશાનો 24 કલાક કાર્યરત રહેતા ભઠ્ઠીઓના લોખંડના રોડ પીગળી રહ્યા છે
અન્ય જિલ્લામાંથી આવતા સ્વજનોને ગામમાં અગ્નિસંસ્કાર કરવા અપીલ
સિદ્ધપુરમા અંતિમવિધિ માટે આવતા લોકોને મુક્તિધામના ટ્રસ્ટીઓએ અપીલ કરી જણાવ્યું છે કે, અન્ય જિલ્લાના લોકોએ પોતાના ગામમાં જ મૃતકોની અંતિમવિધિ કરવી તેમજ જે લોકો અહીંયા આવે છે તેઓએ સિદ્ધપુરની બજારોમાં ફરવું નહીં.