- પાટણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપ્યા
- જૂની અદાવતને લઇને કરવામાં આવી હતી હત્યા
- પોલીસે મારક હથીયારો અને ગુનામાં ઉપયોગમાં લીધેલા વાહન કબજે કર્યા
- હત્યામાં સંડોવાયેલા બાકીના ચાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
પાટણઃ હારીજ માર્કેટયાર્ડમાં શનિવારના રોજ લાભુ કરસનભાઈ અને તેમનો ભાઈ મહેશ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક જ સમાજના બે કુટુંબો વચ્ચે ચાલતી જૂની અદાવતને લઇને કેટલાક શખ્સે આ બન્ને યુવાનો પર ઘાતક હથિયારો વડે હુમલો કરી ફાયરિંગ કર્યું હતું. જેમાં લાભુભાઈને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહેશને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશ: નરસિંહપુરમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીની અમદાવાદથી કરાઇ ધરપકડ
પોલીસે ટીમ બનાવી તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા
હત્યાનો ખૂની ખેલ ખેલી આરોપીઓ ફરાર થઈ ગયા હતા, ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ આરોપીઓને ઝડપી પાડવા માટે LCB, SOG, હારીજ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા.
બાકીના ચાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન પોલીસે કર્યા
SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હારિજમાં ફાયરિંગ કરી હત્યા કરનાર ત્રણ શખ્સ સમી તાલુકાના ઉપલીયાસરા ગામથી ગાજદીનપુરા ગામ તરફ જવાના રસ્તેથી પસાર થઇ રહ્યા છે, ત્યારે પોલીસે રોડની નાકાબંધી કરી ત્રણેય આરોપીઓને ઝડપી લઇ તેમની પાસેથી મારક હથિયારો અને ગુનામાં ઉપયોગમાં લીધેલા વાહન કબજે કર્યા છે અને બાકીના ચાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાંચ આરોપીઓ સામે ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે
હારિજમાં ધોળા દિવસે ફાયરિંગ કરી હત્યા કરનાર સાત આરોપીઓ પૈકી પાંચ આરોપીઓ પર ભૂતકાળમાં રાયોટીંગ, આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ જેવા ઘણા ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે ભવિષ્યમાં પાટણ જિલ્લામાં આવી બીજી કોઈ ગેંગ સક્રિય ન થાય અને આ ગેંગનો સંપૂર્ણ સફાયો થાય તે માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા આ ગેંગ પર ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ ક્રાઇમ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. જે પાટણ જિલ્લાની પ્રથમ કાર્યવાહી બની છે.
આ પણ વાંચોઃ હારિજમાં જૂની અદાવતમાં થયેલા ફાયરિંગમાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત
પકડાયેલા આરોપી
- સિધ્ધરાજસિંહ તલુભા વાઘેલા
- પરેશ સિધ્ધરાજ સિંહ વાઘેલા
- ચેલસિંહ સુજાજી સોલંકી