પાટણ : જિલ્લાના ખેડૂતોએ ખેતીના વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. જેના માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થવા પામી છે, ત્યારે પાટણ પંથકના ખેડૂતોએ જિલ્લાની કેનાલો અને સરસ્વતી નદીમાં સરકાર દ્વારા પાણી છોડવામાં આવે તેવી માગ કરી હતી. તાજેતરમાં ઉપરવાસમાં વરસાદ થતાં સરદાર સરોવરમાં નવા નીર આવતા જળ સપાટી જાળવી રાખવા સરદાર સરોવરનું પાણી નર્મદાની કેનાલો તેમજ સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવ્યું છે, ત્યારે પાટણની સરસ્વતી નદીમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે 100 ક્યૂસેક પાણી છોડવામાં આવતા પાટણ ભાજપના આગેવાનો-કાર્યકરોએ સરસ્વતી નદીમાં આવેલા નર્મદાના નીરના વિધિવત રીતે વધામણા કર્યા હતા.
કોરોના મહામારીને ધ્યાને રાખી સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સૌ કોઇને અપીલ કરવામાં આવે છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો.