- ઐતિહાસિક રાણીની વાવ અને પટોળા ની સાથે સાથે દેવડા પણ પાટણ ની આગવી ઓળખ ધરાવે છે
- દેવડાએ માત્ર પાટણમાજ બને છે
- બહારગામથી આવતા લોકો પણ અચૂક દેવડા ની ખરીદી કરે છે
- કોરોના મહામારી ને કારણે દુકાનદારોએ માત્ર 50 ટકા જ માલ કરયો તૈયાર
પાટણઃ ઐતિહાસિક નગરી પાટણ તેની ઐતિહાસિક ધરોહર રાણીની વાવ અને પટોળાથી ઓળખાય છે. પણ સાથે-સાથે અહીં બનતા દેવડાની મીઠાઈ પણ પાટણની એક આગવી ઓળખ છે. તહેવારો હોય કે પછી શુભ પ્રસંગ પાટણવાસીઓ દેવડાની મીઠાઈ અચૂક ખરીદતા હોય છે. દેવડાની મીઠાઈનું સંશોધન વર્ષો પૂર્વે પાટણમાં કરવામાં આવ્યું હતુ. દેવડા બનાવવા માટે મેંદો અને ઘીમાં તેનું બંધારણ કરી ખાંડની ચાસણીમાં ડબોળી તેની ઉપર બદામ પિસ્તા સહિતનું ડેકોરેશ કરી દેવડા તૈયાર કરવામાં આવે છે. દેવડામા મેંદો, ખાંડ અને ઘી હોવાથી તેને ખાવાથી આરોગ્યને કોઈ નુકશાન થતું નથી.
ત્યારે હાલમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ચૂકી છે, જેને કારણે પાટણવાસીઓ તો ખરાજ પણ સાથે-સાથે બહાર ગામથી પણ લોકો દેવડાની મીઠાઈ ખરીદવા પાટણ આવી પહોંચે છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે દુકાનદારો દ્વારા 50 ટકા જેટલો જ માલ તૈયાર કરવામાં આવ્યો છે અને ભાવમાં પણ કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી.
શિક્ષિત યુવાનો પણ આ વારસાગત વ્યવસાયમાં જોડાયા
સમયના બદલાવની સાથે દેવડામાં અલગ-અલગ વેરાયટી લાવી વ્યવસાયને આગળ ધપાવી રહ્યા છે યુવાનો
પાટણમાં છ પેઢીથી સુખડિયા પરિવારે દેવડા સહિતની મીઠાઈ બનાવવાની આવડત જાળવી રાખી છે. હાલના ટેકનોલોજીના યુગમાં પણ વારસાગત આ વ્યવસાયને આજની યુવાપેઢીએ પણ જાળવી રાખ્યો છે. પરિવારના શિક્ષિત અને ડિગ્રી ધરાવનાર યુવાનો પણ દેવડા અને અન્ય મીઠાઈ બનાવવામાં માહિર છે. બદલાતા સમયની સાથે અલગ અલગ ફ્લેવરના દેવડાની મીઠાઈ ગ્રાહકો માટે તૈયાર કરી છે. જેમાં બટર સ્કોચ, ચોકલેટ ફ્લેવર, કેસરિયા દેવડા સહિતની ફ્લેવરમાં દેવડા તૈયાર કરી વેચાણ અર્થે મૂક્યા છે અને બદલાતા સમયની સાથે પોતાના વ્યવસાયને આગળ વધારી રહ્યા છે.
દેવડાએ પાટણનું એક નજરાણું
તહેવારોના દિવસોમાં લોકો હોંશે હોંશે ખરીદે છે દેવડા
દેવડાએ પાટણનું એક નજરાણું છે, પાટણના દેવડાએ દરેક વર્ગને પોષાય તેવી મિઠાઇ છે. જેને સામાન્ય વર્ગના લોકો પણ સરળતાથી ખરીદી શકે છે. બહારગામથી આવતા વ્યક્તિઓ ચોક્કસ દેવડાની ખરીદી કરે છે. કોરોના મહામારીમાં પણ દેવડા ખાવાના શોખીન તહેવારોના દિવસોમાં દેવડા ખાવાનું જરાય ચૂકતા નથી અને હોંશે હોંશે દેવડા ખરીદતા જોવા મળ્યા હતા.
પાટણના દેવડાની વિશેષતા એ છે કે લાંબા સમયગાળા સુધી આ મીઠાઈ બગડતી નથી. સાથે જ નાના બાળકોથી લઇ વયોવૃદ્ધ પણ આ મીઠાઈ હોંશે-હોંશે આરોગી શકે છે. એટલી નરમ મીઠાઈ હોય છે. આ મીઠાઈમાં એટલી મીઠાશ હોય છે કે એક વાત જે કોઈ દેવડાને ચાખી લે છે તે અચૂક આ મીઠાઈનો આગ્રહ રાખે છે. ત્યારે હાલમાં દિવાળી નિમિત્તે શહેરીજનોની સાથે-સાથે બહાર ગામના લોકો પણ દેવડા ખરીદતા જોવા મળી રહ્યા છે.