- કણી ગામે ખાનગી કંપનીના ગોડાઉનમાં ફૂડ વિભાગના દરોડા
- નેધરલેન્ડ સરકારે રિજેક્ટ કરેલા થાઈ કોથમીર બિયારણ ભારતમા વેચવાનો કારસો હતો
- ચોક્કસ બાતમી આધારે પાટણ ફૂડ વિભાગે કરી રેડ
- થાઈ કોથમીરના બિયારણના નમુના લઇ લેબોરેટરીમાં મોકલ્યા
પાટણ: જિલ્લાના કણી ગામે આવેલી એલોમ એગ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરી નેધરલેન્ડ સરકાર દ્વારા રિજેક્ટ કરેલા થાઈ કોથમીર બિયારણનો ઉપયોગમાં ન લઈ શકાય તેવો રૂપિયા 4,92,640 ની કિંમતનો 154 બેગ ભરેલો 6 ટન જથ્થો સીઝ કર્યો હતો. તેના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપી ગોડાઉન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડથી બિન ઉપયોગી બિયારણ વેચતા વિક્રેતાઓમાં ખળભરાટ મચ્યો હતો.
6,160 કિલો થાઈ કોથમીર બિયારણનો કિંમત રૂપિયા 4,92 લાખનો જથ્થો સિઝ કર્યો
ભારતમાંથી નેધરલેન્ડ સરકારને થાઈ કોથમીર (ધાણા બીજ) ના બિયારણનો જથ્થો મોકલવામાં આવ્યો હતો પરંતુ આ બિયારણનો જથ્થો બિન ઉપયોગી હોવાને કારણે નેધરલેન્ડ સરકારે પરત મોકલ્યો હતો. જે જથ્થો ભારતમાં વેચાણ કરવાની પેરવી કરવામાં આવી રહી હોવાની બાતમી ડો. એચ.જી.કાશીયા કમિશ્નર FDCA ગાંધીનગર ને મળતા FSSAI ના સહયોગથી પાટણ ફુડ વિભાગના અધિકારી વિજય ચૌધરીને માહિતીગાર કરાતા તેઓએ ટીમ સાથે પાટણ તાલુકાના કણી ગામે આવેલા એલોમ એગ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં ઓચિંતી રેડ કરી હતી અને તપાસ કરતા 4,92,640 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેના નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા અને 154 બેગ ભરેલા 6160 કિલોગ્રામનો જથ્થો સીલ કરી ગોડાઉન માલિક મોહિત કુમાર શંભુપ્રસાદ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થાઈ કોથમીર બિયારણના જથ્થામાં સાલ્મોનેલા હોવાથી નેધરલેન્ડ સરકારે જથ્થો રીજેક્ટ કર્યો
પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વરિષ્ઠ અધિકારી ગામીતે જણાવ્યું હતું કે, ભારતમાંથી મોકલવામાં આવેલા થાઈ કોથમીર બિયારણના આ જથ્થામાં સાલ્મોનેલા હોવાને કારણે નેધરલેન્ડની સરકારે આ જથ્થો રિજેક્ટ કરી પરત મોકલ્યો હતો અને તેની જાણ FSSAI દિલ્હીને કરી હતી. જેના પગલે આ જથ્થો પાટણ તાલુકાના કણી ગામે એલોમ એગ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાની બાતમી મળતા ગાંધીનગરની વડી કચેરીની સૂચનાથી પાટણ ફૂડ વિભાગે રેડ કરી બિયારણનો જથ્થો સીઝ કર્યો છે અને નમુના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી ગોડાઉનને સીલ કર્યું છે.