- ધારાસભ્ય દેસાઈએ સમી, રાધનપુર અને સાંતલપુર આરોગ્ય કેન્દ્રોની લીધી મુલાકાત
- C.H.C અને P.H.C. સેન્ટરના અધિકારીઓ સાથે બેઠક કરી
- રઘુ દેસાઇએ ત્રણ તાલુકાઓમાં દસ- દસ લાખ ફાળવ્યા
પાટણ: રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં કોરોનાના કેસો દિન- પ્રતિદિન વધી રહ્યા છે. જ્યારે આરોગ્યલક્ષી સેવાઓના નામે આ વિસ્તારમાં શૂન્ય હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જેને પગલે આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ કોરોનાની આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આરોગ્યલક્ષી સેવાઓની માહિતી મેળવી હતી. તાત્કાલિક ઓક્સિજન અને પથારીઓની વ્યવસ્થા થઈ શકે તે માટે રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં પોતાની ગ્રાન્ટમાંથી 10 લાખની ફાળવણી કરી હતી.
આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત સગર્ભાની ડિલિવરી દરમિયાન કરૂણ મોત, બાળકની તબિયત નાજુક
સરકારે પ્રજાને ભગવાન ભરોસે છોડી છે :રઘુ દેસાઈ
કોરોનાની મહામારીમાં ખૂટતી આરોગ્ય સેવાઓ ઊભી કરવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને પ્રજાને ભગવાન ભરોસે છોડી છે. હાલની પરિસ્થિતિમાં નક્કર કામગીરી કરવાને બદલે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન એકબીજાને ખો આપી રહ્યા છે, જેમાં પ્રજા પીડાઇ રહી છે. તેવા આક્ષેપો રઘુ દેસાઈએ સરકાર પર કર્યા હતા.