- જન્માષ્ટમીને લઇને નગરજનોમાં અનેરો ઉત્સાહ
- કાનુડા પધરામણીનું પાટણમાં અનેરૂ મહત્વ
- વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા
- શ્રાવણ વદ નોમના દિવસે જળમાં કરે છે પધરામણી
પાટણ: જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટના જોવા મળી રહ્યો છે. કૃષ્ણ જન્મનું પાટણમાં અનેરૂ મહત્વ છે. પરંપરાગત રીતે શહેરમાં વસતા વિવિધ સમાજના લોકો પુત્ર જન્મની ખુશીમાં તેમજ કેટલાક પરિવારો દ્વારા હરખના તેમજ બાધા- માનતાના કાનુડા માટે પાટલા ઉપર માટીના કાનુડાને સ્થાપિત કરી વાજતેગાજતે તેને ઘરે લાવી વિધિવત રીતે પૂજાઅર્ચના કરવામાં આવે છે અને મહિલાઓ કાનુડાના ગરબા રમી કૃષ્ણ ભક્તિમાં લીન બને છે. શ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાટલા ઉપર સ્થાપિત કરેલા કાનુડાની માટીની મૂર્તિઓને વાજતે ગાજતે જળમાં પધરાવી કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે.
કાનુડા બનાવનારા કારીગરો બન્યા વ્યસ્ત
ચાલુ વર્ષે સરકારે તહેવારોમાં છૂટછાટો આપી છે. જેને લઇને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માટીના કાનુડા બનાવતા ઓતિયા પરિવારના કારીગરો પાટલા કાનુડા બનાવવાની કામગીરીને આખરી ઓપ આપી રહ્યા છે. ચાલુ વર્ષે પાટણ શહેરમાં અંદાજે દોઢસોથી વધુ કાનુડાઓ નીકળશે. જન્માષ્ટમી પર્વને વધાવવા બાધા- માનતાના અને હરખના કાનુડાની પધરામણી કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે અને આ પરિવારો પોતાના વિસ્તારોમાં કાનુડા બનાવતા ઓતિયા પરિવારના કારીગરોને કાનુડા બનાવવાના ઓર્ડર આપી રહ્યા છે.