પાટણ: શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આ મહામારીના કપરા સમયમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના રાત-દિવસ ફરજ બજાવતા પાટણ તાલુકા હેલ્થ કચેરીના કર્મચારીઓની કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહી છે, ત્યારે આવા કોરોના વોરિયર્સ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સુરક્ષા માટે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-3ના કોર્પોરેટર અને નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતે 10 PPE કીટ તાલુકા હેલ્થ કચેરીને અર્પણ કરી છે.

પાટણ શહેરમાં પોઝિટિવ કેસ આવતાની સાથે દોડી જનાર આરોગ્ય ટીમની કામગીરીથી પ્રભાવિત થઈને નગરસેવકે પાટણ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ગૌરાંગ પરમાર અને તેમની ટીમના દિનેશ પટેલ સહિત કર્મચારીઓનું શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું. આ ઉપરાંત તેમણે આરોગ્ય ટીમની કામગીરીને પણ બિરદાવી હતી.