પાટણ: કોરોના વાઈરસનો કહેર સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં પ્રાંત અધિકારી તથા પોલીસ કાફલાએ શહેરની મેઈન બજાર, ત્રણ દરવાજાથી રેલવે સ્ટેશન, તિરૂપતિ માર્કેટ, સીટી પોઇન્ટ, રાજ મહેલ રોડ સહિતના કોમ્પ્લેક્ષ અને તમામ બજારની દુકાનો બંધ કરાવી હતી. જેથી શહેરીજનોમાં અજ્ઞાત ભયનો માહોલ સર્જાયો હતો. અધિકારીઓએ જનતા કરફ્યૂ અને કોરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા તેમજ 144ની કલમનો અમલ થાય તે માટે આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું.
વહીવટી તંત્ર અને પોલીસના કાફલાએ કરીયાણુ, દૂધના પાર્લર, ડેરી, દવાની દુકાનો જેવી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા સૂચન કર્યું હતું. નગરપાલિકાએ 22 માર્ચથી 31મી માર્ચ સુધી શહેરના મુખ્ય માર્ગો પર રહેતી ખાણી પીણીની લારીઓ, પાનના ગલ્લા, હોટલો બંધ રખાવવાનો નિર્ણય કરી તેનો કડક પણે અમલ કરવા આદેશો જાહેર કર્યા છે.